
મુંબઈ: આજના સમયમાં ડિજિટલ ફ્રોડ આચરનારની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે, પોલીસ આ રીતે કોઈને અરેસ્ટ કરી શકતી નથી. તેમ છતાં લોકો નકલી પોલીસ ઓફિસરોની જાળમાં ફસાઈ જાય છે. મુંબઈની એક મહિલા પણ નકલી પોલીસ ઓફિસરની ગેંગનો શિકાર બની ગઈ છે.
મહિલા પાસેથી થઈ 56 લાખની લૂંટ
મુંબઈના અંધેરી પૂર્વ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી મહિલા રીતા ભસીનને 12 જુલાઈ 2025ના રોજ એક વીડિયો કોલ આવ્યો હતો. વીડિયો કોલમાં સામે એક મહિલા હતી. જેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. તેણે પોતે CBI ઓફિસર હોવાની ઓળખ આપી હતી. આ મહિલા પોલીસે રીતા ભસીનને નકલી એરેસ્ટ વોરંટ બતાવ્યો હતો અને તે ડિજિટલ અરેસ્ટ થઈ ગઈ છે. તેમ કહ્યું હતું. આ સાથે રીતા ભસીનને એક અલગ રૂમમાં રહેવા અને પરિવારના કોઈ સભ્યને વીડિયો કેમેરામાં ન આવવા દેવા કહ્યું હતું.
વીડિયો કોલમાં રીતા ભસીનને મહિલા પોલીસે કહ્યું હતું કે, “કોર્ટે તેને તેની મિલકતનો 99 ટકા ભાગ સુપ્રીમ કોર્ટના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.” આ રીતે મહિલા પાસેથી 56 લાખની લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટને લઈને મહિલાએ અંધેરી અંધેરી પૂર્વ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
લખનઉથી ઝડપાઈ નકલી CBI ઓફિસરની ગેંગ
મહિલાની ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. શોધખોળના આધારે આરોપીઓ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ ખાતેથી પકડાયા હતા. લખનઉ સાયબર સેલના એડીસીપી ક્રાઈમ લખનૌ બસંત કુમારે જણાવ્યું હતું કે, અમે નકલી CBI ઓફિસર બની લોકોને છેતરતી ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગમાં તેના મુખ્ય સૂત્રધાર ચિંત્રાશ તથા તેના બે સાગરિત મોહન કુમાર રાવત અને મોહમ્મદ ઝૈદ પકડાયા છે. તેઓ પાસેથી 7 મોબાઇલ, 11 ડેબિટ કાર્ડ, 2 ક્રેડિટ કાર્ડ, 3 ચેકબુક, થાર કાર તથૈ 1.70 લાખની રોકડ રકમ મળી આવી હતી.
વૃદ્ધોને નિશાન બનાવતી હતી ગેંગ
ઉલ્લેખનીય છે કે, 23 જુલાઈના રોજ નકલી CBI ઓફિસરની ગેંગના વધુ ત્રણ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એડીસીપી ક્રાઈમ લખનૌ બસંત કુમારે જણાવ્યું હતું કે, “ડિજિટલ એરેસ્ટ કરનારાઓને તાલીમ આપવામાં આવે છે. જેમના બેંક એકાઉન્ટમાં વધારે પૈસા હોય તેને આ ગેંગ પોતાનો શિકાર બનાવ છે. ખાસ કરીને તેઓ વૃદ્ધોને પોતાનો ટાર્ગેટ બનાવે છે.”