રાતભર ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી બિઝનેસમૅન પાસેથી 53 લાખ પડાવ્યા

મુંબઈ: દક્ષિણ મુંબઈના બિઝનેસમૅનને તપાસ એજન્સીના અધિકારીઓના સ્વાંગમાં સાયબર ઠગોએ રાતભર ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી તેની પાસેથી 53 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મની લોન્ડરિંગના કેસમાં સંડોવણીનો આરોપ કરી ઠગ ટોળકીએ બિઝનેસમૅનને આખી રાત વીડિયો કૉલ સામે રહેવાની ફરજ પાડી હતી. બીજે દિવસે ઑનલાઈન જામીનની સુનાવણી હોવાનું આરોપીઓએ કહ્યું હતું. એ સિવાય ફરિયાદીને સુપ્રીમ કોર્ટની બનાવટી નોટિસ પણ મોકલવામાં આવી હતી.
આપણ વાચો: સાયબર ઠગોએ હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ માટે ફૅક લિંક બનાવી: ગુનો દાખલ
પોલીસના જણાવ્યા મુજબ આગ્રીપાડા વિસ્તારમાં રહેતા ફરિયાદી બિઝનેસમૅનને બીજી નવેમ્બરે અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ)ના અધિકારી રાજીવ સિંહા તરીકે આપી હતી. ફરિયાદીનું સિમ કાર્ડ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયું હોવાનું કહીને બે કલાકમાં દિલ્હી પોલીસ સમક્ષ હાજર થવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.
ફરિયાદીએ દિલ્હી પહોંચવાની અક્ષમતા દેખાડતાં તેમને વિજય ખન્ના નામના શખસે વીડિયો કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરીને દરિયાગંજમાં રાષ્ટ્રીયકૃત બૅન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું છે અને મની લોન્ડરિંગમાં તેનો ઉપયોગ થયો છે, એવો આક્ષેપ ઠગે કર્યો હતો.
આપણ વાચો: Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીઓએ એન્ટિ-કરપ્શન બ્રાન્ચ, ઈન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ અને ડિરેક્ટરેટ ઑફ એન્ફોર્સમેન્ટની નોટિસો પણ દાખવી હતી. પછી ફરિયાદીને તેમની ધરપકડ કરવામાં આવી હોઈ જામીન ન થાય ત્યાં સુધી રૂમની બહાર જવાની મનાઈ કરવામાં આવી હતી.
બીજી સવારે કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી સુપ્રીમ કોર્ટની બનાવટી નોટિસ મોકલવામાં આવી હતી. કાર્યવાહીનો ડર બતાવી ફરિયાદીને 53 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી.
આરોપીઓએ વધુ નાણાંની માગણી કરતાં ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થઈ હતી. તેમણે પોલીસ હેલ્પલાઈન નંબર પર કૉલ કરી ફરિયાદ કરી હતી. આ બાબતે સેન્ટ્રલ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)



