આમચી મુંબઈમહારાષ્ટ્ર

શું શરદ પવાર ખરેખર એનડીએમાં જોડાવા માંગતા હતા? પ્રફુલ પટેલ બાદ હવે ભુજબળ પણ બોલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજા તબક્કાની રાજકીય દાવા-પ્રતિદાવા અને નિવેદનોમાં વધારો થયો છે. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલના દાવા બાદ હવે છગન ભુજબળે પણ કહ્યું છે કે શરદ પવાર આ પહેલાં પણ એનડીએમાં જોડાવા માગતા હતા. આ અગાઉ પ્રફુલ્લ પટેલે એવો દાવો કર્યો હતો કે શરદ પવાર એનડીએમાં જોડાવા માટે 2023માં 50 ટકા તૈયાર થઈ ગયા હતા

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના વાતાવરણમાં અત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું શરદ પવાર ખરેખર ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ બનવા માંગતા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા પ્રફુલ્લ પટેલના દાવા બાદ પવારના એક સમયના અત્યંત નજીકના સાથી છગન ભુજબળે પણ તેને સાચો હોવાનું કહ્યું છે. પ્રફુલ્લ પટેલથી એક ડગલું આગળ વધીને ભુજબળે કહ્યું હતું કે તેમણે (શરદ પવારે) 2014ની ચૂંટણીમાં પણ પ્રયાસો કર્યા હતા.

આપણ વાંચો: …તો શરદ પવાર પણ મહાયુતિમાં સામેલ થયા હોત: અજિત પવાર જૂથના નેતાનો દાવો

એક ઈન્ટરવ્યુમાં પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે 2 જુલાઈ 2023ના રોજ અજિત પવાર અને અમારા મંત્રીઓએ મહારાષ્ટ્ર સરકાર સાથે શપથ લીધા હતા. આ પછી 15-16 જુલાઈએ અમે શરદ પવારને મળ્યા અને તેમને અમારી સાથે જોડાવા વિનંતી કરી. આ પછી અજિત પવાર અને શરદ પવાર પુણેમાં મળ્યા હતા. તેમણે કહ્યું કે શરદ પવાર પણ 50 ટકા જેટલા તૈયાર હતા પરંતુ તેઓ હંમેશા છેલ્લી ઘડીએ અચકાવા લાગે છે.

2014માં પણ પ્રયાસ કર્યો હતો

પ્રફુલ્લ પટેલના નિવેદનથી આગળ વધીને છગન ભુજબળે કહ્યું છે કે તેઓ (શરદ પવાર) 2023માં 50 ટકા તૈયાર હતા. આ પહેલા પણ તેમણે એનડીએમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે 2014માં પણ આ પ્રયાસ કર્યો હતો. ભુજબળે કહ્યું હતું કે તેમણે પૂરો પ્રયાસ કર્યો હતો.

ભુજબળે કહ્યું કે 2014ની ચૂંટણીમાં ભાજપના ઓછા વિધાનસભ્યો ચૂંટાયા હતા અને અમે તેમને બહારથી સમર્થન આપ્યું હતું. ત્યારથી આવું ચાલતું હતું. પ્રફુલ્લ પટેલના દાવા બાદ હવે છગન ભુજબળે આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે શરદ પવાર મહારાષ્ટ્રમાં તેમના બારામતી ગઢને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ તેમના ભત્રીજાના નેતૃત્વમાં એનસીપી તરફથી બારામતીની સાથે શિરુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જો મહાયુતિમાં અજિત પવારને સાતારા બેઠક પણ મળશે તો ત્રણેય લોકસભા બેઠકો પર પવાર વિરુદ્ધ પવાર વચ્ચેનો જંગ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button