વિશાલગઢ કિલ્લા પર હિંસા કરનારાઓને દેવેન્દ્ર ફડણવીસે આપી આ ચેતવણી…

મુંબઈ: મહાયુતિની સરકાર વિશાલગઢ કિલ્લા પરના અતિક્રમણો હટાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું. કાયદેસર રીતે અહીંના અતિક્રમણો હટાવવામાં આવશે એ વાત પર ભાર મુકતા ફડણવીસે લોકોને અહીંના અતિક્રમણો હટાવવામાં આવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐતિહાસિક વિશાલગઢ કિલ્લા પરથી અતિક્રમણો હટાવવાની કાર્યવાહી દરમિયાન અહીં હિંસાના બનાવો બન્યા હતા અને અતિક્રમણ હટાવવા માટે આવેલા પોલીસ સહિતના સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: Pune Porsche Accident મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આખરે કર્યો મહત્ત્વનો ખુલાસો
રાજ્યનું ગૃહ ખાતું સંભાળનારા ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના બધા જ કિલ્લાઓ પરથી ગેરકાયદે અતિક્રમણો હટાવવામાં આવશે. વિશાલગઢ કિલ્લા પરના ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણો ખૂબ જ જૂની સમસ્યા છે અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છત્રપતિ સંભાજીરાજેએ આ મુદ્દો ઉઠાવતા આ સમસ્યા ફરી નજરમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે કોલ્હાપુરમાં આવેલા વિશાલગઢમાં અતિક્રમણ હટાવવાનું અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે 21 જણની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિશાલગઢ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ છે અને છત્રપતિ શિવાજી મહારાજને 1660માં કેદ કરવામાં આવ્યા અને ત્યાર પછી તે સફળતાપૂર્વક છટકી ગયા ત્યારબાદ તે વિશાલગઢ કિલ્લા પર જ સૌપ્રથમ આવ્યા હતા.