શરદ પવારના કાળ દરમિયાન મહારાષ્ટ્રનો વિકાસ નહીંવત્
મુખ્ય પ્રધાન શિંદેએ સાધ્યું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર નિશાન
મુંબઈ: એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના સ્થાપક તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શરદ પવારને મહારાષ્ટ્રનો વિકાસ ન થવા માટે જવાબદાર ઠેરવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના પર નિશાન સાધ્યું હતું.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે શરદ પવારની ટીકા કરતા કહ્યું હતું કે શરદ પવાર લાંબા સમયથી રાજકારણમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સક્રિય છે અને તેમના શાસનકાળ દરમિયાન મહારાષ્ટ્રનો વિકાસ થવો જોઇતો હતો, પરંતુ કંઇ જ ન થયું. તે દેશના કૃષિ પ્રધાન પણ રહી ચૂક્યા છે, પરંતુ અમારી સરકારે જે ખેડૂતો માટે કર્યું છે તે કોઇપણ સરકારે કર્યું નથી અને હું આ વાત પૂરા વિશ્ર્વાસ સાથે કહી શકું છું.
હાલ પોતાનું એકમાત્ર લક્ષ્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 400 બેઠક જીતવાના લક્ષ્યને પૂરું કરવા માટે મહારાષ્ટ્રમાં મહાયુતિની 45 બેઠકો પર જીત મેળવવું હોવાનું પણ શિંદેએ જણાવ્યું હતું.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ છેલ્લાં દસ વર્ષમાં જે કામ કર્યું છે તે બધા જ જોઇ શકે છે. યુવાઓ અને મહિલાઓ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેમ જ રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, પાણી જોડાણ વગેરે માટે જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે.