આમચી મુંબઈ

૧૦ ટકા અનામત છતાં જરાંગે નારાજ

મરાઠા અનામતનું ઠીકરું ઠરશે કે વધુ તપશે?

મુંબઈ: વર્ષોથી થઇ રહેલી મરાઠા અનામતની માગણી આખરે કાયદેસર ધોરણે મંજૂર થઇ અને રાજ્યમાં મરાઠા સમાજને અનામત આપવાનો ખરડો વિધાનસભાના વિશેષ સત્રમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. જોકે, હજી પણ મામલો થાળે પડ્યો હોય તેવું લાગતું નથી. મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગે તેમને અલાયદું નહીં, પણ ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસ – અન્ય પછાત વર્ગ) ક્વૉટા હેઠળ જ અનામત આપવામાં આવે તેવી માગણી પર અડગ છે. આ દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ તરફથી આ વિષય ઉપર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

મને જીવથી મારી નાંખવાની ધમકી આપી: ભુજબળે કરી ફરિયાદ
વિધાનસભામાં મરાઠા અનમતનો ખરડો મંજૂર થયો ત્યારબાદ અન્ન-નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે મનોજ જરાંગેની ફરિયાદ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી હતી. મનોજ જરાંગે પોતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ ભુજબળે કરી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને સરકાર અધિકારીઓને પણ ખરાબ ગાળો જરાંગેએ આપી હોવાનું જણાવતા ભુજબળે કહ્યું હતું કે આ દાદાગિરી છે, કાબૂમાં લેવામાં આવવી જોઇએ.

અનામત નહીં છળ છે, ચૂંટણી પહેલાનું ગતકડું છે: કૉંગ્રેસ
વિરોધ પક્ષના નેતા તેમ જ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે મરાઠા સમાજને અનામત આપવું એ ફક્ત ચૂંટણી પહેલાનું ગતકડું હોવાનું જણાવતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર થયેલો આ ખરડો કાયદાકીય રીતે માન્ય નહીં થાય. સરકાર આ ઓબીસી અને મરાઠાઓને છળી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ગતકડું કરવામાં આવ્યું છે. સરકાર લોકોનું ભલું નથી ઇચ્છતી. મરાઠા સમુદાયને નષ્ટ કરવાનું આ કાવતરું છે, એમ કહી વડેટ્ટીવારે સરકારને નિશાન બનાવી હતી.

અનામત તો ઓબીસી ક્વૉટા અંતર્ગત જ લઇશું: જરાંગે
જરાંગેએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અમને દસ ટકા અનામત આપે કે વીસ ટકા તેનાથી કોઇ ફરક પડતો નથી. અમને ઓબીસી ક્વૉટા હેઠળ જ અનામત જોઇએ છે અનામત નહીં. કુણબી મરાઠાના લોહીના સંબંધીઓને અનામત અંગે સરકાર અધ્યાદેશ બહાર પાડે છે કે નહીં તે જોઇ આંદોલન ક્યા માર્ગે વાળવું તે આવતીકાલે નક્કી કરીશું. સરકાર અમને એ આપી રહી છે જે અમને નથી જોઇતું. અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું આદર-સન્માન કર્યું એટલે જ સરકારને છ મહિનાની મુદત આપી. આ અંગે ચર્ચા કરવા માટે બુધવારે નિર્ણાયક બેઠક બોલાવવામાં આવી છે.

ઉદ્ધવે શિંદેનો આભાર માન્યો
મરાઠા સમાજને અનામત આપવા માટે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આભાર માન્યો હતો. શિવસેનાથી શિંદે અલગ થયા બાદ ઉદ્ધવ અને શિંદે જૂથ વચ્ચે વારંવાર ઘર્ષણો થતા જોવા મળે છે, પરંતુ મરાઠા અનામત અંગે ઉદ્ધવે શિંદેનો આભાર માન્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ અનામતનું સ્વાગત કરતા કહ્યું હતું કે તમામ મરાઠા ભાઇઓ માટે જે ખરડો હતો તે સર્વાનુમતે મંજૂર થયો. મરાઠા સમાજનું પણ અભિનંદન કરું છું. સરકારના હેતુ પર હું શંકા નહીં કરું. પણ મરાઠા સમાજના અનેક લોકોએ બલિદાન આપવું પડ્યું ત્યારબાદ આ અનામત તેમને મળ્યું એ વાત નકારી શકાય નહીં. આ ઉપરાંત આ અનામત કાયદાની દૃષ્ટીએ યોગ્ય પુરવાર થશે અને ભવિષ્યમાં ટકશે તેવી આશા હોવાનું પણ ઠાકરેએ કહ્યું હતું.

ત્રણ વખત મળ્યું અનામત: ચોથો ફેરો ફળશે કે પછી ફોક જશે?
મરાઠા સમાજ દ્વારા અનામતની માગણી અનેક દાયકાઓથી થઇ રહી છે અને આ પહેલા પણ મરાઠા સમાજને અનામત આપવામાં આવ્યું હતું, તે પણ એક વાર નહીં ત્રણ વાર. હવે ચોથી વખત સરકાર તરફથી મરાઠાઓ માટે અનામત અપાયું છે. સૌપ્રથમ ૧૯૮૦માં મરાઠા સમાજ માટે અનામતની માગ શરૂ થઇ હતી. મરાઠા નેતા અન્ના સાહેબ પાટીલે આ ચળવળ શરૂ કરી હતી. ત્યારબાદ ૨૦૧૪માં પૃથ્વીરાજ ચવ્હાણની સરકારે અને ત્યારબાદ દેવન્દ્ર ફડણવીસની સરકારે મરાઠા સમાજને અનામત આપ્યું હતું. જ્યારે ત્રીજી વખત ૨૦૧૯માં બોમ્બે હાઇ કોર્ટે અનામતની ટકાવારી ઘટાડી ફરી અનામત મંજૂર કર્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે ૨૦૨૧માં અનામત રદ કરી નાંખ્યું હતું. એટલે આ વખતે અનામત ટકશે કે નહીં, એ પ્રશ્ર્ન ચર્ચાઇ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…