મહિલા સાથે છેતરપિંડી અને ધમકી આપવા પ્રકરણે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રહેતી 45 વર્ષની મહિલા સાથે કથિત છેતરપિંડી કરી ધમકી આપવા પ્રકરણે સાયબર પોલીસે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ કરી હતી. નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પીયૂષ કત્યાલ તરીકે થઈ હતી. યુટ્યૂબર પર પ્રૅન્ક વીડિયોઝ માટે જાણીતા કાત્યાલના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે.
તબીબી કારણોસર કત્યાલે મહિલા પાસેથી નાણાં પડાવ્યાં હતાં. મહિલાએ નાણાં પાછાં માગતાં આરોપીએ તેને કથિત ધમકી પણ આપી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (સાયબર) પુરુષોત્તમ કરાડે મહિલા સાથે છેતરપિંડીના કેસમાં શનિવારે કત્યાલની ધરપકડ કરાઈ હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું.
આપણ વાંચો: નીટ યુજી 2025ના ઉમેદવારો સાથે છેતરપિંડી: સીબીઆઇએ બે જણની ધરપકડ કરી
પોલીસ ફરિયાદ અનુસાર ચાર-પાંચ મહિના અગાઉ ફરિયાદી મહિલા કત્યાલના યુટ્યૂબ પેજ પર ગઈ હતી. વીડિયો જોયા પછી તે તેને ફોલો કરવા લાગી હતી. તેની કમેન્ટ્સ જોઈ કત્યાલે તેનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.
કત્યાલે મહિલાનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. તાજેતરમાં સારવાર માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું કહીને કત્યાલે મહિલા પાસેથી આર્થિક મદદ માગી હતી. કત્યાલની વાતને ગંભીરતાથી લઈ મહિલાએ આર્થિક મદદ પણ કરી હતી.
આપણ વાંચો: પુત્રને વિદેશમાં નોકરી અપાવવાને બહાને પિતા સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી
જોકે તે એક યા બીજા કારણોસર વારંવાર નાણાંની માગણી કરવા લાગ્યો હતો. શરૂઆતમાં મહિલાએ મદદ કરી હતી, પરંતુ બાદમાં ઇનકાર કરી દીધો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે નાણાં ન આપે તો મહિલાએ કત્યાલ સાથે કરેલી ચૅટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી પણ તેણે આપી હતી. કત્યાલે અત્યાર સુધીમાં મહિલા પાસેથી 19 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આરોપીની ધમકી અને વારંવારની રૂપિયાની માગણીથી કંટાળી આખરે મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. નૉર્થ રિજન સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને કત્યાલની ધરપકડ કરી હતી.