ઍક્ટ્રેસ લૈલા ખાન સહિત છ જણની હત્યાના કેસમાં સાવકા પિતાને મૃત્યુદંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 2011ના ચકચારી ઍક્ટ્રેસ લૈલા ખાન હત્યા કેસમાં 13 વર્ષે આવેલા ચુકાદામાં કોર્ટે સાવકા પિતા પરવેઝ ઈકબાલ ટાકને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ટાકે તેના સાથીની મદદથી ઈગતપુરીના બંગલોમાં લૈલા ખાન અને તેના પરિવારના પાંચ સભ્યની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી મૃતદેહોને બંગલો બહાર જમીનમાં દાટી દીધા હતા.
એડિશનલ સેશન્સ જજ સચિન પવારે 9 મેના રોજ ટાકને હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ કસૂરવાર ઠેરવ્યો હતો. આ કેસમાં તપાસ પક્ષે 40 સાક્ષી તપાસ્યા હતા. સબળ પુરાવાને આધારે શુક્રવારે કોર્ટે ટાકને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ટાક લૈલા ખાનની માતા સેલિનાનો ત્રીજો પતિ હતો.
નાશિક જિલ્લાના ઈગતપુરી તાલુકામાં આવેલા કોતુરવાડી સ્થિત બંગલોમાં ફેબ્રુઆરી, 2011માં ટાક અને તેના સાથી શાકીર હુસેન વાણીએ લૈલા ખાન ઉર્ફે રેશમા પટેલ (30), તેની માતા સેલિના પટેલ (59), બહેન અઝમીના પટેલ (32), જોડિયા ભાઈ-બહેન ઝારા અને ઈમરાન (25), સેલિનાની બહેનની પુત્રી રેશમા સગીર ખાન ઉર્ફે ટલ્લી (19)ની માથા પર લાકડું ફટકારી હત્યા કરી હતી. હત્યા પછી તેમના મૃતદેહો બંગલો બહારની જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. આ કેસમાં વાણી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધ ચાલુ રાખી છે.
આ પણ વાંચો: અમદાવાદની સાબરમતી જેલમા એક કેદીએ બીજાનું ઢીમ ઢાળી દીધું ! જેલમાં જ હત્યાથી ઉઠ્યા સવાલ
જમ્મુ-કાશ્મીરમાં લગ્નમાં જવાને બહાને ટાક લૈલા ખાનના પરિવારને પોતાની સાથે લઈ ગયો હતો. રસ્તામાં નાશિકમાં આવેલા તેમના બંગલોમાં પરિવાર રોકાયો હતો. તપાસમાં જણાયું હતું કે ઘટનાની રાતે મિલકત વિવાદને પગલે ટાક અને સેલિના વચ્ચે બોલાચાલી થઈ હતી. ટાકે સૌપ્રથમ સેલિનાની હત્યા કરી. પછી અવાજ સાંભળી ઊંઘમાંથી જાગી ગયેલી લૈલા ખાન અને ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યોની હત્યા કરવામાં આવી હતી.
અંધેરીના ઓશિવરા સ્થિત ફ્લૅટમાંથી ફેબ્રુઆરી, 2011માં લૈલા ખાનનો સાત સભ્યનો પરિવાર એકાએક ગુમ થઈ ગયો હતો. પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક ન થતાં લૈલાના પિતા અને સેલિનાના પહેલા પતિ નાદીર શાહ હુસેનભાઈ પટેલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ટાકે આખા પરિવારનું અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે છેતરપિંડીના એક કેસમાં પરવેઝ ટાકની ધરપકડ કરી હતી. ટાક પકડાતાં લૈલા ખાન પરિવારનો એક સભ્ય જીવંત હોવાની ખાતરી થઈ હતી. શરૂઆતમાં પૂછપરછમાં ટાકે દાવો કર્યો હતો કે લૈલા ખાનનો પરિવાર દુબઈ ગયો છે. જોકે બાદમાં તેણે હત્યાની વાત કબૂલી હતી. ટાક જમ્મુમાં વન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ને સોંપાઈ હતી. તે સમયના સિનિયર ઈન્સ્પેક્ટર દીપક ફટાંગરેની ટીમે ટાકને તાબામાં લઈ પૂછપરછ કરતાં હત્યાકાંડનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બંગલોની જમીનમાંથી છ મૃતદેહના અવશેષ બહાર કાઢી તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપ્યા હતા.
પૂછપરછમાં ટાકે દાવો કર્યો હતો કે સેલિનાનો પરિવાર તેની સાથે નોકર જેવું વર્તન કરતો હતો. તેને શંકા હતી કે સેલિના તેના પરિવાર સાથે દુબઈ શિફ્ટ થઈ જવાની છે અને તેના બીજા પતિ આસિફ શેખને ઈગતપુરીના બંગલોનો કૅરટેકર બનાવવાની છે. શેખને મિલકતની સંભાળની જવાબદારી સોંપવાની વાત સેલિનાએ કરી હતી અને આ માટે તેણે પાવર ઑફ એટર્ની પણ તૈયાર કરાવી લીધી હતી. સેલિના શેખ સાથે સંબંધ સુધારી રહી હોવાથી ટાકના મનમાં ખુન્નસ હતું.