મહારાષ્ટ્રમાં દહીં-હાંડી પર કડક નિયમ: બાળ ગોવિંદા પર પ્રતિબંધ, નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી

મુંબઈઃ 16મી ઓગસ્ટના મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં દહીંહાંડીનો તહેવાર ઉજવવામાં આવશે. તે માટે મંડળો દ્વારા પિરામિડ બનાવવાની પ્રેક્ટિસ શરુ થઇ ગઈ છે. મુંબઈના દહિસર વિસ્તારમાં ગયા રવિવારે દહીં-હાંડીની પ્રેક્ટિસ કરતી વખતે નીચે પટકાતા એક 11 વર્ષના બાળ ગોવિંદાનું મૃત્યુ થયું હતું.
નવતરુણ મિત્ર મંડળ દ્વારા પ્રેક્ટિસ દરમિયાન ગોવિંદાઓને સેફ્ટી કીટ આપવામાં ન આવી હોવાનો આરોપ છે. મુંબઈ પોલીસે આ મામલે નવતરુણ મિત્ર મંડળ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હવે આ ઘટનાને પગલે મહારાષ્ટ્ર સરકારે જન્માષ્ટમીના અવસર પર દહીં-હાંડીમાં બાળ ગોવિંદાનો ઉપયોગ કરનાર ગોવિંદા મંડળોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
બોમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દહીં-હાંડી દરમિયાન માનવ પિરામિડમાં ભાગ લેવાની મનાઈ છે. મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે રાજ્યમાં ક્યાંય પણ માનવ પિરામિડમાં બાળ ગોવિંદાઓનો ઉપયોગ કરવામાં ન આવે.
આ પણ વાંચો: દહિસરમાં ગોવિંદાની પ્રેક્ટિસ વખતે બાળકે જીવ ગુમાવ્યો…
જો કોઈ મંડળ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કેસ દાખલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ગયા વર્ષે દહીં-હાંડી ઉત્સવ દરમિયાન 245 ગોવિંદા ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને થાણેમાં સૌથી મોટી દહીં હાંડી સ્પર્ધાના આયોજક પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે 11 વર્ષના ગોવિંદાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે. સંબંધિત મંડળે સલામતીના નિયમોનું પાલન કર્યું નહોતું, જેના કારણે મુંબઈ પોલીસે કેસ નોંધ્યો છે. બધા ગોવિંદા મંડળોએ હાઈ કોર્ટના નિયમોનું પાલન કરવું પડશે. માનવ પિરામિડમાં નાના બાળકોને સામેલ ન કરવા બાળ ગોવિંદાઓની સલામતી જરૂરી છે.