‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા સાયબરે બચાવ્યા
48 કલાકમાં પાંચ કેસમાં 1.47 કરોડ રૂપિયા બચાવી ઑનલાઈન ફ્રોડ ટોળકીને માત

મુંબઈ: ‘વ્હેલ ફિશિંગ’ એટેકમાં ભિવંડીની ટ્રાવેલ એજન્સીએ ગુમાવેલા 90 લાખ રૂપિયા મહારાષ્ટ્ર સાયબરે બચાવી લીધા હતા. છેલ્લા 48 કલાકમાં ઑનલાઈન ફ્રોડ ટોળકીએ પડાવેલાં નાણાંમાંથી પાંચ કેસમાં 1.47 કરોડ રૂપિયા બચાવવામાં સાયબરને સફળતા મળી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વ્હેલ ફિશિંગ એટેકમાં ઑનલાઈન ઠગ ટોળકી કંપની કે સંસ્થાના ઉચ્ચ સ્તરીય વિશ્ર્વસનીય અધિકારી તરીકે પોતાની ઓળખાણ આપીને સામેની વ્યક્તિ પાસેથી નાણાં પડાવે છે.
આ જ રીતે ભિવંડીની ટ્રાવેલ એજન્સીના એકાઉન્ટન્ટને છેતરવામાં આવ્યો હતો. કંપનીના માલિકના સ્વાંગમાં ઠગે વ્હૉટ્સઍપના માધ્યમથી એકાઉન્ટન્ટનો સંપર્ક સાધ્યો હતો.
આપણ વાંચો: શૅરબજારમાં નફાની લાલચે ઑનલાઈન ઠગાઈ કરનારા 11 આરોપી પકડાયા
આરોપીએ નવા મોબાઈલ નંબર પરથી એકાઉન્ટન્ટનો સંપર્ક સાધ્યો હતો અને બિઝનેસ પ્રોજેક્ટ માટે તાત્કાલિક 90 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં એકાઉન્ટન્ટે એકઝાટકે 90 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જોકે બાદમાં પોતે છેતરાયો હોવાની જાણ થતાં એકાઉન્ટન્ટે નૅશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ મહારાષ્ટ્ર સાયબરના અધિકારીઓએ તાત્કાલિક સંબંધિત બૅન્કના નોડલ ઑફિસરનો સંપર્ક કર્યો હતો. જે બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા તેમાં 90 લાખ રૂપિયા ફ્રીઝ કરાયા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ આ જ રીતે સાયબર ઠગોએ પાંચ કેસમાં છેતરપિંડીથી પડાવેલા 1.47 કરોડ રૂપિયા બચાવી લેવામાં મહારાષ્ટ્ર સાયબરને સફળતા મળી હતી. 10 ટકા રકમ ફ્રીઝ કરવામાં આવી હતી. આ રકમ યોગ્ય માલિકોને રિફંડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)