નોકરી ઇચ્છુકોને છેતરીને તેમનાં બૅન્ક ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરનારા પકડાયા…

થાણે: નોકરી અપાવવાની લાલચે જરૂરિયાતમંદોને કથિત રીતે છેતરીને તેમનાં નામનાં બૅન્ક ખાતાં અને સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરવાના સાયબર ફ્રોડના રૅકેટનો પર્દાફાશ કરી થાણે પોલીસે સાત જણની ગોવાથી ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ આનંદ અશોક મેઘવાણી (34), સૌરભ શર્મા (40), ભોલા પ્રદીપ યાદવ (21), લાલચંદ મુખિયા (25), ગૌરવ યાદવ (25), રોહિત યાદવ (21) અને રાજકુમાર યાદવ (21) તરીકે થઈ હતી. થાણેના એક યુવાને નોંધાવેલી ફરિયાદને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફરિયાદીના નામના બૅન્ક ખાતા અને સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે.
ફરિયાદીને ઊંચા પગારની નોકરીની લાલચે આરોપીએ છેતર્યો હતો. આરોપીએ ફરિયાદીને તેના નામનું બૅન્ક ખાતું ખોલાવવાની ફરજ પાડી હતી. બાદમાં ફરિયાદીની પાસબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ આરોપીએ પોતાની પાસે રાખી લીધાં હતાં અને સાયબર ક્રાઈમમાં ઉપયોગ કરવા ગોવા મોકલાવી દીધાં હતાં, એમ ઈન્સ્પેક્ટર અતુલ અદુરકરે જણાવ્યું હતું.
ફરિયાદીને નોકરી ન મળતાં તેણે તપાસ શરૂ કરી હતી. ફરિયાદીને તેના બૅન્ક ખાતાનો ગેરકાયદે વ્યવહારમાં ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ જ રીતે આરોપીએ નોકરી ઇચ્છુક 80 યુવાનોને છેતર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે દક્ષિણ ગોવાની એક હોટેલમાં રેઇડ કરી સાત આરોપીને પકડી પાડ્યા હતા.
પકડાયેલામાંથી મેઘવાણી અને શર્મા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના રહેવાસી છે, જ્યારે બાકીના આરોપી બિહારના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું. હોટેલની રૂમમાંથી પોલીસે બે લૅપટોપ, 30 મોબાઈલ ફોન, નાગપુરની 11 વ્યક્તિનાં નામની વિવિધ બૅન્કોની પાસબુક, એટીએમ કાર્ડ્સ તેમ જ અનેક સિમ કાર્ડ જપ્ત કર્યાં હતાં.
નોકરી ઇચ્છુકોના નામે બૅન્ક ખાતું ખોલાવી આરોપીઓ તેમને પાંચ હજાર રૂપિયા આપતા હતા. પછી બૅન્કની કિટ પોતાની પાસે રાખી લેતા. ત્યાર બાદ યુવાનોના નામના સિમ કાર્ડ પણ ખરીદતા. ધરપકડથી બચવા આ ટોળકી કોઈ પણ સ્થળે 15 દિવસથી વધુ રહેતી નહીં, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…લોનની સગવડને બહાને 1.35 કરોડ રૂપિયા પડાવ્યા: ચાર વિરુદ્ધ ગુનો