છેતરાયેલી વ્યક્તિઓને મદદને બહાને ફરી છેતરનારો ઠગ પકડાયો
પોલીસની સાયબર હેલ્પલાઈનમાંથી બોલતો હોવાનું કહી આરોપી ભારતની રાજમુદ્રાવાળું આઈ કાર્ડ મોકલાવતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સાયબર પોલીસે એક એવા આરોપીને પકડી પાડ્યો હતો, જે સાયબર ફ્રોડમાં છેતરાયેલી વ્યક્તિઓને મદદ કરવાને બહાને તેમની પાસેથી ફરી નાણાં પડાવતો હતો. મુંબઈ પોલીસની સાયબર હેલ્પલાઈનના અધિકારી તરીકે ઓળખ આપી તે ભારતની રાજમુદ્રાવાળું આઈ કાર્ડ મોકલાવતો અને પછી કોર્ટ કામકાજ, વકીલની ફી જેવાં કારણોસર રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતો હતો.
વેસ્ટ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અનિલ મધુકર દરેકર (35) તરીકે થઈ હતી. પનવેલના વિચુંબે ખાતેની ગ્રીન વૅલી રોડ ખાતે રહેતા આરોપી દરેકર પાસેથી મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ અને ભારતની રાજમુદ્રાવાળું ભારત સરકારના ગૃહ મંત્રાલયનું બનાવટી ઓળખપત્ર જપ્ત કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સાયબર ક્રાઇમ પર પોલીસનો સકંજો: 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ
તપાસમાં જણાયું હતું કે આરોપી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા સાયબર ગુના સંબંધી માહિતી પ્રાપ્ત કરતો હતો. પછી ગુનાના ફરિયાદીઓનો સંપર્ક સાધી પોતાની ઓળખ સાયબર હેલ્પલાઈન-1930ના અધિકારી તરીકે આપતો હતો. ફરિયાદીનો વિશ્ર્વાસ બેસે તે માટે બનાવટી ઓળખપત્ર પણ મોકલતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવનારી વ્યક્તિને તેમની રકમ પાછી મેળવી આવમાં મદદ કરવાની ખાતરી આરોપી આપતો હતો. બાદમાં કોર્ટના કામકાજનો ખર્ચ, વકીલની ફી જેવાં વિવિધ કારણો રજૂ કરી ફરિયાદીને નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડતો હતો.
આરોપીની આ રીતની ઠગાઈનો ભોગ બનેલી એક વ્યક્તિએ તાજેતરમાં સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે આરોપીને રાયગડ જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીએ આ રીતે રાજ્યમાં અનેક લોકોને છેતર્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: નકલી જજના નર્યા કારનામા: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વકીલ બની જામીન પણ મેળવ્યા હતા!
સાયબર પોલીસની અપીલ…
સાયબર ફ્રોડથી નાણાં પડાવવાના કિસ્સા રોજબરોજના બની ગયા છે, પરંતુ સાયબર પોલીસની હેલ્પલાઈનના અધિકારીના નામે મદદ કરવાની ખાતરી આપી નાણાં પડાવવાની નવી તરકીબ ઠગે અપનાવી છે.
પરિણામે સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સાયબર પોલીસ દ્વારા મદદ કરવા માટે નાણાંની માગણી કરવામાં આવતી નથી. તેથી આ રીતે કોઈ નાણાં ટ્રાન્સફર કરવાનું કહે તો બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા નહીં. આ પ્રકારે કોઈ રૂપિયા માગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. એ સિવાય આરોપી દ્વારા મોકલાયેલા આઈ કાર્ડની પણ પૂરતી ચકાસણી કરવી.