સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સાયબર ફ્રોડ કરનારી ટોળકી માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને તેને ઍક્ટિવેટ કરી આપનારી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી હતી. આ ટોળકી બોગસ નામે કંપની ખોલીને તેના આધારે બૅન્ક એકાઉન્ટ ખોલાવતી અને પછી સિમ કાર્ડ પર ઍક્ટિવેટ કરાવતી હતી. પછી તે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડને ઉપયોગ માટે સાયબર ઠગોને પૂરાં પાડવામાં આવતાં હતાં. આ ટોળકીએ પૂરાં પાડેલાં સિમ કાર્ડની મદદથી દેશભરના નાગરિકો પાસેથી 60.82 કરોડથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

બોગસ કંપનીને નામે વિવિધ બૅન્કોમાં કરન્ટ એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા પછી તેનો ઉપયોગ નાગરિકોને છેતરીને નાણાં પડાવવામાં થયો હોવાની માહિતી પોલીસને મળી હતી. કાંદિવલી પૂર્વમાં આવેલી બે કંપનીની કામગીરી શંકાસ્પદ હોવાનું જણાયું હતું. આ કંપની દ્વારા ઉપયોગમાં લેવાયેલાં સિમ કાર્ડ્સ પણ બીજી વ્યક્તિને નામે રજિસ્ટર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો

મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે ગયા સપ્તાહે કાંદિવલીની બન્ને કંપનીમાં સર્ચ હાથ ધરી હતી. બન્ને ઑફિસમાંથી પોલીસે વૈભવ પટેલ, સુનીલકુમાર પાસવાન, અમનકુમાર ગૌતમ, ખુશબૂ સંદરાજુળા અને રિતેશ બાંદેકરને તાબામાં લીધાં હતાં. પ્રાથમિક પૂછપરછ પછી પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ પાસેથી 104 સિમ કાર્ડ, પચીસ મોબાઈલ ફોન, વિવિધ બૅન્કની પચીસ પાસબુક, 30 ચેકબુક, 46 એટીએમ કાર્ડ, સ્વાઈપ મશીન, પ્રિન્ટર અને લૅપટોપ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આરોપીઓએ દાવો કર્યો હતો કે બૅન્ક ડિટેઈલ્સ અને સિમ કાર્ડ જરૂરિયાતમંદો પાસેથી સાતથી આઠ હજાર રૂપિયામાં વેચાતાં લેવામાં આવતાં હતાં. આરોપીઓ વિરુદ્ધ સમતાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની તપાસ દરમિયાન વધુ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલા 12 આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેઓ બૅન્ક ખાતા અને સિમ કાર્ડ પ્રાપ્ત કરવા ગ્રામીણ વિસ્તારના લોકોને પણ ટાર્ગેટ કરતા હતા. સેવિંગ એકાઉન્ટ માટે 15 હજાર, જ્યારે કરન્ટ એકાઉન્ટ માટે 40 હજાર રૂપિયા સુધીની રકમ આપવાની તૈયારી દાખવતા હતા.

આ પણ વાંચો: બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા

ગરીબ લોકોને નાણાંની લાલચે બૅન્ક ખાતું અને સિમ કાર્ડ ખરીદવા તૈયાર કરતા. પછી બૅન્કની કિડ અને સિમ કાર્ડ આરોપીઓ ખરીદી લેતાં. પોતાની ઑફિસમાં નેટબૅકિંગ સહિતની સુવિધા ચાલુ કરાવી તેમાં અમુક રકમનો વ્યવહાર કરતા. પછી સિમ કાર્ડ ઍક્ટિવેટ કરાવીને બૅન્ક ડિટેઈલ અને સિમ કાર્ડ સાયબર ફ્રોડ કરનારી ટોળકીને આપતા હતા.

જપ્ત કરાયેલા લૅપટોપની ટેક્નિકલ બાબતોનું વિશ્ર્લેષણ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 943 બૅન્ક ખાતાંનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 181 ખાતાંનો ઉપયોગ નાગરિકોને છેતરવા માટે કરાયો હતો. આ બૅન્ક ખાતાઓ સંબંધી 339 ફરિયાદો નોંધાઈ છે. આ ખાતાંનો ઉપયોગ કરી દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો પાસેથી 60.82 કરોડથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button