નવ વર્ષની દીકરીને બચકાં ભરનારી ક્રૂર માતાની ધરપકડ

થાણે: ઉલ્હાસનગરમાં ભાઈ-બહેનો સાથે ઝઘડા કરનારી નવ વર્ષની દીકરી સાથે ક્રૂર વર્તન કરનારી માતાની પોલીસે ધરપકડ કરી હતી. છરીથી હુમલો કરીને વેલણથી ફટકારી માતાએ દીકરીના શરીર પર બચકાં પણ ભર્યાં હતાં.
સેન્ટ્રલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ અમીના સુલતાન ઉર્ફે પૂજા (35) તરીકે થઈ હતી. ઉલ્હાસનગરના રાધા સ્વામી સત્સંગ નજીક રહેતી અમીનાએ બુધવારે તેના ઘરમાં દીકરી મરિયમ સાથે ક્રૂરતા આચરી હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: મહિલાઓ સામેના ગુનાના કેસોમાં અદાલતો સંવેદનશીલ બને તેવી અપેક્ષા: સુપ્રીમ કોર્ટ
અમીનાને મરિયમ પર સખત ગુસ્સો આવ્યો હોવાથી તેણે છરીથી હુમલો કર્યો હતો, જેમાં મરિયમના ચહેરા અને પગ પર ઇજા થઈ હતી. પછી તેણે બાળકીને વેલણથી ફટકારી હતી અને પીઠ તથા ગરદન પર બચકાં ભર્યાં હતાં. આ ઘટનામાં બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
બાળકીની ઇજાને જોઈ પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક પૂછપરછ પછી અમીનાને તાબામાં લીધી હતી. સારવાર માટે બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મરિયમ સતત તેનાં ભાઈ-બહેન સાથે ઝઘડો કરતી હતી, જેને પગલે અમીના તેના પર રોષે ભરાઈ હતી. પોલીસે અમીના વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાળકી સાથે અત્યાચારની વાત ફેલાતાં રહેવાસીઓએ આરોપી સામે સખત પગલાં ભરવાની માગણી કરી હતી. (પીટીઆઈ)