ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: 37 પકડાયા
મુંબઈ: ગેરકાયદે ઑનલાઇન લોટરી સેન્ટરો પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોઇ છેલ્લા બે દિવસમાં પશ્ર્ચિમ અને પૂર્વીય ઉપનગરોમાં 10થી વધુ ઑનલાઇન લોટરી સેન્ટરો પર રેઇડ પાડવામાં આવી હતી. આ પ્રકરણે 37 જણની ધરપકડ કરવામાં આવી હતી.
ગેરકાયદે લોટરી સેન્ટરો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈમાં પ્રતિબંધિત ગુટકા અને તંબાકુજન્ય પદાર્થ વેચનારા હોલસેલરો અને સપ્લાયરો પર પણ તવાઇ લાવી દીધી છે. છેલ્લા 48 કલાકમાં 10 સ્થળે દરોડા પાડીને 10 જણની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તમામ યુનિટો અને પ્રોપર્ટી સેલ જેવી વિશેષ શાખાને પણ ગેરકાયદે લોટરી સેન્ટરો પર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મુંબઈમાં પ્રતિબંધિત તંબાકુજન્ય પદાર્થ વેચનારા લોકો પર પણ તવાઇ લવાઇ છે. અમુક લોકો ગેરકાયદે લોટરી સેન્ટરો ચલાવીને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેને રોકવામાં આવશે, એમ જોઇન્ટ પોલીસ કમિશનર લખમી ગૌતમે કહ્યું હતું.
20 ડિસેમ્બરે યુનિટ-1ની ટીમે ક્રાફર્ડ માર્કેટ ખાતે ગેરકાયદે લોટરી સેન્ટ પર રેઇડ પાડીને માલિક તથા ભાગીદાર સહિત પાંચની ધરપકડ કરી હતી. તેઓ કેન્વાસ ગેમિંગ નામે આ સેન્ટર ચલાવતા હતા. વિધિસર પરવાનગી વીના સેન્ટર ચલાવીને તેઓ પંદર મિનિટમાં જ પરિણામો આપવા માટે કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. આ પ્રકરણે ગુનો દાખલ કરાયો હતો અને રૂ. 69 હજારની મતા જપ્ત કરવામાં આવી હતી.
દરમિયાન યુનિટ-7ના સ્ટાફે વિલાસ નલાવડેની માલિકીનું અને રાહુલ ધોત્રે દ્વારા ચલાવાતા અથર્વ ઓનલાઇન લોટરી સેન્ટર પર દરોડા પાડ્યા હતા. કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 80 હજારની મતા જપ્ત કરાઇ હતી.