ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતને ધમકી આપનારા વિરુદ્ધ ગુનો

મુંબઈ: ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતને કથિત ધમકી આપવા સાથે છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજ માટે અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ કોલ્હાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.
કોલ્હાપુર શહેરમાં રહેતા સાવંતને મંગળવારે વહેલી સવારે એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતાની ઓળખ ‘પ્રશાંત કોરાટકર’ તરીકે આપી હતી. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ તિરસ્કાર ફેલાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી કૉલરે આપી હતી.
આપણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વંશજો ક્યાં છે ને શું કરે છે?
કૉલ કરનારા શખસે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ માટે પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પોલીસ કૉલ કરનારા શખસની ઓળખ મેળવી રહી છે.
સાવંતે ફોન કૉલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને તેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૅર કરી હતી. આ મામલે તેમણે કોલ્હાપુરના જૂના રાજવાડા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે કોલ્હાપુર પોલીસ સાયબર સેલની પણ મદદ લઈ રહી છે.