આમચી મુંબઈ
કલ્યાણમાં ‘ઝેર’ આપી ગાયને મારી નાખી: બે જણ સામે ગુનો

થાણે: બાઈક પર આવેલા બે શખસે ઈન્જેક્શનથી કથિત રીતે ઝેર આપી ગાયને મારી નાખી હોવાની ઘટના કલ્યાણમાં બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણના એક હાઉસિંગ કોમ્પ્લેક્સ નજીકના મેદાનમાં રવિવારની સાંજે ગાયો ચરતી હતી ત્યારે બાઈક પર બે શખસ ત્યાં આવ્યા હતા. બન્ને જણે પહેલાં ગાયોને ખાવા રોટલી આપી હતી. પછી એક ગાયકને ઇન્જેક્શન માર્યું હતું. ઈન્જેક્શન માર્યાની ગણતરીની મિનિટોમાં ગાય જમીન પર ફસડાઈ પડી હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. ઘટના બાદ બન્ને શખસ બાઈક પર ફરાર થઈ ગયા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ એ પરિસરમાં રહેતા એક ખેડૂતની ફરિયાદને આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 અને 3(5) તેમ જ એનિમલ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરાર આરોપીઓની શોધ ચલાવી રહી છે.
(પીટીઆઈ)