આમચી મુંબઈ

રાજ્યમાં કાયદાનું શાસન ચાલે છે કે બળનું? હાઈ કોર્ટે સિડકોની કાઢી ઝાટકણી

મુંબઈ: રાજ્યમાં શું કાયદાનું શાસન ચાલે છે કે બળનું શાસન ચાલે છે? એવો સવાલ પૂછતા બૉમ્બે હાઇ કોર્ટે નવી મુંબઈમાં એક જમીનના પ્લોટ પર ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં નિષ્ફળ જનારી સરકારી સિટી પ્લાનિંગ એજન્સી સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે આ મહિનાની શરૂઆતમાં આપેલા આદેશ વખતે જણાવ્યું હતું કે અનધિકૃત બાંધકામો સામે કડક પગલાં લેવાની સિડકોની ઇચ્છા જણાઇ રહી નથી.

કાર્યવાહી કરનારા સ્ટાફને પોલીસ સંરક્ષણ આપો

સિડકોએ કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે બોકાડવિરા ગામના સરપંચ દ્વારા ધમકી આપવામાં આવે છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જે અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરતા હોય તેઓને પૂરતું પોલીસ સંરક્ષણ મળવું જોઇએ અને એ પ્રશાસનની ફરજ છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકીને કાયદાનું શાસન લાગુ કરે.

આપણ વાંચો: વહુને ટીવી જોવા ન દેવું એ ક્રુરતા? બૉમ્બે હાઇ કોર્ટે વીસ વર્ષ પહેલાના કેસમાં પતિ અને તેના પરિવારજનોને દોષમુક્ત કર્યા

લોકશાહીવાળા રાજ્યમાં કઈ રીતે ચલાવી શકાય?

‘અમને એ સમજાતું નથી કે રાજ્યમાં કાયદાનું શાસન ચાલે છે કે બળનું? બોકાડવિરા ગામના સરપંચ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તેનો લોકશાહીવાળા રાજ્યમાં સ્વીકાર કરી શકાય નહીં’, એમ કોર્ટે કહ્યું હતું. ૨૦૧૬માં એક દંપતીએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી અને નવી મુંબઈની તેમની જમીન પર દીપક પાટીલ નામની વ્યક્તિએ બાંધેલા અનધિકૃત બાંધકામને તોડી પાડવા માટે સિડકોને નિર્દેશ કરવામાં આવે એવી માગણી કરી હતી.

આપણ વાંચો: કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…

એક અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામ દૂર કરો

હાઇ કોર્ટે સિડકોને નિર્દેશ કર્યો હતો કે તમામ જરૂરી કાયદેસર પગલાં લો અને એક અઠવાડિયાની અંદર અરજદારની જમીન પરથી ગેરકાયદે બાંધકામ દૂર કરો.

જો બોકાડવિરા ગામના સરપંચ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે તો કોર્ટ નવી મુંબઈની પોલીસ કમિશનરને પૂરતા પ્રમાણમાં પોલીસ સંરક્ષણ આપવાનો આદેશ આપે છે, એમ હાઇ કોર્ટે વધુમાં જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button