રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ: વાલીઓની ચિંતામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહમદનગરમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય ખાતાની સાથે જ વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.
સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાના ૭૨ નવા કેસ નોંધાયા હતા. તેની સામે ૩૨ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. તો મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના માત્ર છ નવા કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દી કોરોનાથી સાજા થયા હતા.
મુંબઈમાં સોમવારના ૨૪ કલાક દરમિયાન માત્ર ૧૨૬ કોરોનાના ટેસ્ટ થયા હતા. તો રાજ્યમાં ૩,૩૪૭ ટેસ્ટ થયા હતા. હાલ રાજ્યમાં નવા વેરિયન્ટ જેએન.એના કુલ ૨૯ કેસ થઈ ગયા છે, જેમાં સૌથી વધુ પુણેમાં ૧૫, થાણેમાં પાંચ, બીડમાં ત્રણ, અહમદનગરમાં બે, કોલ્હાપૂરમાં એક, અકોલામાં એક, સિંધુદુર્ગમાં એક અને નાશિકમાં એક કેસનો સમાવેશ થાય છે.
સોમવારે અહમદનગરમાં એક સ્કૂલના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાઈ આવતા રાજ્યના આરોગ્ય ખાતાની ઊંઘ ઊડી ગઈ છે. અહમદનગર તાલુકામાં ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીઓના રૅપિડ ઍન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં જોકે કોરોનાના હળવા લક્ષણો છે. શરદી અને ઉધરસ હોવાથી વિદ્યાર્થીઓના રૅપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ બંને વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો ૨૦૦ લોકોના ઍન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.