કૉંગ્રેસમાં બખડજંતર: મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ વિરુદ્ધ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષની હાઈ કમાન્ડને ફરિયાદ
2019માં મુંબઈમાં પાંચ બેઠક પર ઉમેદવાર હતા હવે ફક્ત બે

મુંબઈ: મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર થતાં જ અપેક્ષા મુજબ નારાજગી સામે આવી રહી છે. 2019માં મુંબઈમાં કૉંગ્રેસ પાંચ બેઠકો પર લડ્યું હતું અને આ વખતે મુંબઈમાં ફક્ત બે જ બેઠક પર ઉમેદવારી આપવામાં આવી હોવાથી નારાજ થયેલા મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કૉંગ્રેસ હાઈ કમાન્ડને મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ ફરિયાદ કરી છે.
કૉંગ્રેસના અંતરંગ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વર્ષા ગાયકવાડે કેન્દ્રીય જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલને મોબાઈલ પર ફોન કરીને નાના પટોલેની ફરિયાદ કરી હતી. તેમણે એક સમયે મુંબઈમાં કૉંગ્રેસનું કેવું વર્ચસ્વ હતું તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને દક્ષિણ મધ્ય મુંબઈની કૉંગ્રેસનું પ્રભુત્વ હોય એવી બેઠકો શિવસેનાને ફાળવવામાં આવી તે માટે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: કૉંગ્રેસનું બંધારણમાં 40 સુધારા કરવાનું વચન?: ભાજપ દ્વારા કૉંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ
જોકે, કૉંગ્રેસના જ કેટલાક લોકોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેએ જ્યારે વાયવ્ય મુંબઈ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યો ત્યારે તેનો વિરોધ કરનારા સંજય નિરૂપમની પક્ષમાંથી હકાલપટ્ટી કરી નાખી હતી. સંજય નિરૂપમ વાયવ્ય મુંબઈની બેઠક પર લડવા ઈચ્છુક હતા. વર્ષા ગાયકવાડને દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી અને તેથી જ હવે તેમની નારાજગી સામે આવી છે. શું આગામી દિવસોમાં તેમની સાથે પણ નિરૂપમ વાળો ન્યાય થશે કે અલગ ત્રાજવે તોળવામાં આવશે?
મુંબઈની નારાજી ઓછી હોય એમ સાંગલીમાં પણ આ વહેંચણીને કારણે નારાજી જોવા મળી રહી છે. સાંગલીની બેઠક પર શિવસેના (યુબીટી)ના ચંદ્રહાર પાટીલની ઉમેદવારી માન્ય રાખવામાં આવી હોવાથી હવે વિશાલ પાટીલ બળવો કરવાના મુડમાં જોવા મળી રહ્યા છે. તેમણે એક સમાચાર ચેનલને કહ્યું હતું કે કૉંગ્રેસે પોતાના હાથે પોતાના પગ પર કુહાડો માર્યો છે. વિશ્ર્વજિત કદમનું સમર્થન હશે તો હું બળવો કરીશ.