મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ
મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠકને લઈને મહાવિકાસ આઘાડી ગઠબંધન (ઉદ્ધવ ઠાકરે જૂથ, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શનિવારે અમોલ કીર્તિકરને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના આનંદ દુબેએ પોતાની પાર્ટીનો બચાવ કરતાં કૉંગ્રેસન નેતા સંજય નિરુપમ પર ટીકા કરી હતી.
આનંદ દુબેએ કહ્યું હતું કે 2019માં ઉદ્ધવ ઠાકરે જૂથે ઉત્તર-પશ્ચિમ મુંબઈથી ચૂંટણી લડીને જીત મેળવી હતી, જેથી આ બેઠક પર અમારો અધિકાર છે. સંજય નિરુપમ 2014 અને 2019માં લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેમની પાસે કૉંગ્રેસનો કોઈ પણ પોર્ટફોલિયો નથી જેને લીધે તેમને ઈન્ડિયા ગઠબંધનની ઇવીએમ બેઠકમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. મુંબઈની આ બેઠક પર સંજય નિરુપમ ફરી લડવા માગે છે તો તેમણે આ બાબત સોશિયલ મીડિયા પર કહેવાને બદલે કૉંગ્રેસ સાથે વાત કરવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કીર્તિકરને ઉમેદવાર જાહેર કરતાં સંજય નિરુપમે તેનો વિરોધ કરીને બેઠકની વહેંચણી કર્યા છતાં ઉદ્ધવ જૂથે ઉમેદવારી જાહેર કરી છે, એવો આરોપ કર્યો હતો. મહાવિકાસ આઘાડીની અનેક બેઠક થયા છતાં બેઠકની વહેંચણીને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. મહારાષ્ટ્રમાં આઠથી નવ બેઠક એવી છે જેના પર ચર્ચા ચાલી રહી છે, જેમાંથી મુંબઈની આ સીટ પણ છે. ઉદ્ધવ ઠાકરે બચેલી શિવસેનાના અધ્યક્ષ છે એવું પણ નિરુપમે કહ્યું હતું.