પરેલમાં કોન્સ્ટેબલના દીકરાએ આત્મહત્યા કરી

મુંબઈ: પરેલ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના 20 વર્ષના પુત્રએ ઘરના બાથરૂમમાં પિતાની સર્વિસ પિસ્તોલમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એન.એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં સેન્ચુરી મ્હાડા કોલોનીમાં શુક્રવારે બપોરના 12થી 12.30 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી.
મૃતકની ઓળખ હર્ષ સંતોષ મસ્કે તરીકે થઇ હોઇ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. હર્ષના પિતા સંતોષ મસ્કે મુંબઈ પોલીસના સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટમાં કાર્યરત છે.
આપણ વાંચો: વાલી ફી ભરી ન શકતા હોવાથી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા કે પછી કારણ કંઈક અલગ
પોલીસના જણાવ્યા અનુસાર હર્ષ મસ્કેએ શુક્રવારે બપોરે બાથરૂમમાં પિતાની સર્વિસ પિસ્તોલમાંથી પોતાને ગોળી મારી હતી. અવાજ સાંભળીને પરિવારજનો ત્યાં દોડી આવતાં હર્ષ મસ્કે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હર્ષને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં એન.એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસે હર્ષના પિતાનું નિવેદન નોંધ્યું હતું. હર્ષે ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.



