કોચીની જેમ મુંબઈમાં ‘વોટર મેટ્રો’ શરૂ કરવાની ગંભીર વિચારણાઃ નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડાણની શક્યતા…

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં વોટર મેટ્રો એક સારો વિકલ્પ છે અને તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે વોટર મેટ્રોને નવી મુંબઈ એરપોર્ટ સુધી લઈ જવા પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
મુંબઈ સ્થિત એક કાર્યક્રમમાં મુંબઈ પર્યાવરણ સપ્તાહના લોગોનું અનાવરણ કરી ભીડેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા જળ મેટ્રો અંગે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. હાલના તબક્કે કેરળના કોચી શહેરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ સફળતાથી ચાલી રહ્યો છે.
આ પ્રોજેક્ટને સફળ બનાવનાર કોચી શિપયાર્ડ કંપનીને મુંબઈ મેટ્રોપોલિટન એરિયામાં વોટર મેટ્રો પ્રોજેક્ટનો અભ્યાસ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. પરિવહનના વિવિધ માધ્યમોના વિકલ્પો અસરકારક હોઈ શકે છે એ માન્યતાને કારણે હાલમાં એ દિશામાં ગંભીર વિચારણા ચાલી રહી છે.
ભૂગર્ભ મેટ્રોમાં મોબાઈલ ફોન નેટવર્કની સુવિધા નથી હોતી. આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં આવી જશે. તમામ સબવેમાં 5જી નેટવર્ક પ્રદાન કરવા માટે વિવિધ ટેલિકોમ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ સિવાય ભારત સંચાર નિગમ લિમિટેડની પણ વિનંતી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાને આ સંદર્ભે કેન્દ્રીય ટેલિકોમ મંત્રીને પત્ર પણ લખ્યો છે.
ભીડેએ જાણકારી આપી હતી કે હાલમાં ટિકિટ કાઉન્ટર વિસ્તારમાં વાઇફાઇ સગવડ આપવામાં આવી છે. પ્લેટફોર્મ પર પણ એ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.



