પાકિસ્તાનની ભાષા બોલનારી કૉંગ્રેસ સાથે જનારાઓને શરમ આવે છે?: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. આ લોકો ભાખરી ભારતની ખાય છે અને ચાકરી પાકિસ્તાનની કરે છે. શહીદોનું અપમાન કરવું અને કસાબનો બચાવ કરવો એ કૉંગ્રેસના દેશદ્રોહી વર્તનનો પુરાવો છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે પાલઘરમાં કહ્યું હતું કે બાળાસાહેબના વારસાની વાત કરનારા શિવસેના (યુબીટી)ના લોકોને કૉંગ્રેસના ખોળામાં બેસી જવામાં પોતાના મનની નહીં તો કમસે કમ લોકોની તો શરમ આવવી જોઈએ.
ત્રણ વર્ષ પહેલાં પાલઘરમાં સાધુઓનો હત્યાકાંડ થયો હતો તે કેસમાં ત્યારની મહાવિકાસ આઘાડીની સરકારે આરોપીઓને સમર્થન આપીને ન્યાય આપ્યો નહોતો. જોકે, હવે જ્યારથી મહાયુતિની સરકાર આવી છે ત્યારથી કોઈ સાધુ કે સંતને હાથ લગાવવાની હિંમત કરશે નહીં, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં કલમ 370 નાબુદ થશે તો લોહીની નદીઓ વહેશે એવું રાહુલ ગાંધી બોલ્યા હતા, પરંતુ અમિત શાહે રાહુલ ગાંધી અને આતંકવાદની બોલતી બંધ કરી દીધી છે. કાશ્મીર હવે મુક્તપણે શ્ર્વાસ લઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની કાર્યવાહીથી હવે લાલ ચોક પર તિરંગોે ફરકી રહ્યો છે.
અયોધ્યામાં રામ મંદિર 500 વર્ષથી ભારતીયોનું સપનું હતું અને તે પૂર્ણ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તેથી જ આપણે આજે ગૌરવભેર જય શ્રી રામ બોલીએ છીએ. જોકે, આનાથી વિપક્ષને પેટમાં શૂળ ઉપડી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગૃહ પ્રધાન અમિત શાહ દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરતા નથી.
આપણ વાંચો: રાજ્યમાં મહાયુતિનું ભગવું વાવાઝોડું: એકનાથ શિંદે
સંસદમાં બોલતાં તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર તેમ જ પાકિસ્તાન વ્યાપ્ત કાશ્મીરની એકે એક ઈંચ જગ્યા ભારતની છે અને તેને મેળવવા માટે મરી જઈશું. ભારતની એક ઈંચ જમીન કોઈને આપવામાં આવશે નહીં એવી ગર્જના અમિત શાહે કરી હતી, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે રોજ સવારે ઉઠે ત્યાંથી રાતે સુએ ત્યાં સુધી વિપક્ષ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે. શિવસેના (યુબીટી) દ્વારા તેમના વિશે બેફામ નિવેદનો કરવામાં આવે છે. અત્યારે આ બંને તમારી તરફ જોતા પણ નથી, પરંતુ જો ભૂલેચૂકે જો અમિત શાહ તમારા તરફ જોશે તો તમારો કાર્યક્રમ થઈ જશે.
કૉંગ્રેસ સમક્ષ શરણાગતિ સ્વીકારનારી શિવસેના (યુબીટી)એ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ઈકબાલ મુસાને પ્રચારમાં સામેલ કર્યો હતો. આ દેશદ્રોહીને શિવસેનાના ઉમેદવારના પ્રચારમાં જોઈને બાળ ઠાકરેનો આત્મા કેટલો દુ:ખી થયો હશે. તેથી જ વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તેમને નકલી શિવસેના ગણાવી રહ્યા છે. કેમ કે બાળ ઠાકરેના સાચા વિચારો અને ધનુષ્ય-બાણ તેમ જ રાજ્યની જનતાનો પ્રેમ તેમની જ સાથે છે.