જૂઠાણાંનું જીવન ટૂંકું હોય છે, કોંગ્રેસના ખોટા નેરેટિવ ધ્વસ્ત કરી નાખ્યા: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિપક્ષ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે બંધારણ પર તેના ખોટા નેરેટિવ ધ્વસ્ત થઈ ગયા છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જૂઠાણું લાંબું ચાલતું નથી.
એક પ્રશ્ર્નના જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે, જો ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપીની બનેલી સત્તાધારી મહાયુતિ ફરી ચૂંટાશે, તો તેના ઘટકો મુખ્ય પ્રધાન કોણ બનશે તે નક્કી કરવા માટે સાથે બેસીને ચર્ચા કરશે.
ભાજપના નેતાએ 20 નવેમ્બરની રાજ્યની ચૂંટણી માટે તેમના નાગપુર દક્ષિણ-પશ્ર્ચિમ વિધાનસભા મતદારસંઘમાંથી તેમના પ્રચારની શરૂઆત કરી હતી.
ફડણવીસ 2014થી 2019 સુધી રાજ્યના મુખ્ય પ્રધાન હતા અને નવેમ્બર 2019માં 80 કલાકના ટૂંકા કાર્યકાળ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા અને નાગપુરથી પાંચ વખત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા છે.
આ તેમની છઠ્ઠી વિધાનસભા ચૂંટણી છે. તેઓ 1999થી છેલ્લાં 25 વર્ષથી વિધાનસભ્ય છે.
પ્રચાર દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે, લોકોએ તેમને પાંચ વખત ચૂંટ્યા છે અને છઠ્ઠી ટર્મ માટે પણ તેમની ઉમેદવારીને સમર્થન આપશે એવો વિશ્ર્વાસ છે.
‘મારો મતદારસંઘ મારો પરિવાર છે અને મારા પરિવારને મારા માટે પ્રેમ છે. લોકો મને ચોક્કસ ચૂંટી કાઢશે,’ એમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે નાગપુરમાં ‘સંવિધાન સન્માન સંમેલન’ યોજવાના હતા તે સંદર્ભે જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિપક્ષી પાર્ટી આ ઘટના સાથે ફરીથી ખોટા નેરેટિવ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ફડણવીસે કહ્યું કે, ‘જૂઠાણાનું જીવન ટૂંકું હોય છે.’
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર, તો જાહેર કરો…
તેમના ફેક નેરેટિવ ધ્વસ્ત થઈ ગયા છે. હવે તેઓ ફરીથી ‘ડ્રામા’ કરવા માંગે છે જેનો કોઈ પ્રતિસાદ નહીં મળે, એમ તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે, ‘લોકો સારી રીતે જાણે છે કે તે (વડાપ્રધાન) મોદીજી હતા જેમણે જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર ભારતમાં બંધારણને લાગુ કરવાની હિંમત બતાવી હતી. કોંગ્રેસે ક્યારેય જમ્મુ અને કાશ્મીરમાં બંધારણને લાગુ થવા દીધું નથી.’.
જો શાસક મહાયુતિ સત્તા જાળવી રાખે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે તેમને જોવાની ઉત્સુકતા ધરાવતા ભાજપના કાર્યકરો અંગેના પ્રશ્ર્નના જવાબમાં, ફડણવીસે કહ્યું હતું કે, કાર્યકરોને એવું લાગે તે સ્વાભાવિક છે કારણ કે તેઓ તેમના નેતાને મોટા જોવા માગે છે, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહ્યા છીએ. જ્યારે અમારી મહાયુતિ ચૂંટાશે, ત્યારે અમે બધા સાથે બેસીશું અને નક્કી કરીશું કે મુખ્ય પ્રધાન કોણ હશે.
ફડણવીસે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે મહાયુતિ પૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સત્તા જાળવી રાખશે.
નાયબ મુખ્ય પ્રધાને તેમના મતદારસંઘના મતદારો સુધી પહોંચવા માટે નાગપુરના હિંગણા ટી-પોઇન્ટ પેટ્રોલ પંપથી છત્રપતિ સભાગૃહ સુધી ભાજપના કાર્યકરોની એક વિશાળ રેલીનું નેતૃત્વ કર્યું હતું.