કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી: જાલના અને ધુળે બેઠક માટે ઉમેદવારોના નામ બહાર પાડ્યા
મુંબઈ: કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળેને આજે અકસ્માત નડ્યો અને તેમની ગાડીને ટક્કર મારનારા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી એ સમચાર આવ્યા તેની સાથે સાથે જ કૉંગ્રેસના મહારાષ્ટ્રના ઉમેદવારોની વધુ એક યાદી પણ બહાર પાડવામાં આવી હોવાના સમાચાર જાહેર થયા હતા. કૉંગ્રેસે જાલના અને ધુળે આ બે બેઠક માટેના પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા.
જાલના ખાતેથી કલ્યાણ કાલે અને ધુળે બેઠક પરથી ડૉક્ટર શોભા દિનેશ બચ્ચવને ઉમેદવારી આપવાની જાહેરાત કૉંગ્રેસે બુધવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર હાલ ભાજપના સાંસદ છે. 2019ની ચૂંટણીમાં દાનવે રાવસાહેબ દાદારાવે અહીં કૉંગ્રેસના ઔતડે વિલાસ કેશવરાવને હરાવ્યા હતા.
અત્યાર સુધી મહાયુતિ તરફથી આ બંને બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, ધુળેમાં મહાવિકાસ આઘાડીથી બેઠકની ફાળવણીના મુદ્દે નારાજ થઇ છૂટા પડેલા પક્ષ વંચિત બહુજન આઘાડીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધા છે. ધુળેની બેઠક પર વંચિત બહુજન આઘાડીએ ભૂતપૂર્વ ઇન્ડિયન પોલીસ સર્વિસ(આઇપીએસ) અધિકારી અબ્દુર રહેમાનને ઉમેદવારી આપી છે. એટલે કે ધુળેમાં હાલ બે ઉમેદવારોની જાહેરાત થઇ છે.