બોલો, ભારે કરી બેંકોએઃ લાડકી બહેન યોજનાની રકમ પર ચાર્જ લેવાની ફરિયાદ
મુંબઈ: મહાયુતિ સરકારે મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના દ્વારા પાત્ર લાભાર્થી મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ યોજનાના જોરે મહાયુતિ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી છે.
જોકે જેમ જેમ મહિનાઓ વીતી ગયા તેમ તેમ યોજનાની કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે. સરકાર પણ આ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
ખાતામાં પૈસા જમા થયા બાદ બેંક લાડકી બહેન યોજનામાંથી ચાર્જ સ્વરૂપે પૈસા કાપી રહી હોવાની ફરિયાદ ઘણી મહિલાઓએ કરી હતી. આ ફરિયાદોને પગલે હવે સરકારે કડક પગલાં લીધા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ આ અંગે માહિતી આપી છે.
આપણ વાંચો: મહિલાઓના મતો મેળવવા માટેનો ‘જુગાડ’ છે લાડકી બહેન યોજના: ભાજપના વિધાનસભ્યે બાફ્યું
‘મુખ્ય પ્રધાન – મારી લાડકી બહેન’ યોજનાની રાજ્ય કક્ષાએ સમીક્ષા કરવા માટે ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અનુપ કુમાર યાદવ, સંકલિત બાળ વિકાસ યોજનાના કમિશનર કૈલાશ પાગરે અને તમામ જિલ્લાઓના મહિલા અને બાળ વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને આપવામાં આવેલી રકમમાંથી કેટલીક બેંકો દ્વારા લઘુત્તમ બેલેન્સ, ચેક રિટર્ન વગેરે માટે ચાર્જ વસૂલ કરી મહિલાઓના બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે અદિતિ તટકરેએ કહ્યું કે સરકારે આવી બેંકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
કેટલીક પાત્ર મહિલાઓના બેંક ખાતામાં આધાર કાર્ડ સંલગ્ન ન હોવાને કારણે તેમને લાભ મળતો નથી. આ અંગે વહીવટીતંત્રને બીજી ઓક્ટોબરથી સાતમી ઓક્ટોબર સુધી વિશેષ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.