લાડકી બહેન યોજનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન બંધ, પણ હવે આ વાત જાણી લેજો!
મુંબઈ: રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Ladki Bahin Yojana)ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજના હેઠળ દર મહિને મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવવામાં આવશે. અત્યાર સુધીમાં જુલાઈ અને ઓગસ્ટ માટે કુલ 3000 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. પહેલો હપ્તો ૧૯ ઓગસ્ટે જમા થયો હતો. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ લાંબી લાંબી લાઈનમાં ઊભી રહી હતી.
શરૂઆતમાં સરકારે ઍપ અને ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. પણ જે લોકો હજુ સુધી ફોર્મ નથી ભરી શક્યા નથી તેમના માટે નિરાશાજનક સમાચાર એ છે કે સરકારે હવે લાડકી બહેન યોજના માટે ઓનલાઇન અરજી લેવાનું બંધ કરી દીધું છે.
અગાઉ લાડકી બહેન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2024 હતી. ત્યારબાદ મુદત લંબાવવામાં આવી હતી. આ પહેલા તેઓ ‘નારી શક્તિ દૂત’ એપ દ્વારા આ સ્કીમ માટે અરજી કરી શકતા હતા. ત્યાર બાદ ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી હતી. પરંતુ હવે આ બંધ કરવામાં આવ્યું હોવાથી મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
શરૂઆતમાં એપના માધ્યમથી ફોર્મ ભરતી વખતે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી સરકારે
www.ladkibahin.maharashtra.gov.in નવી વેબસાઈટ શરૂ કરી. નારી શક્તિ દૂત એપમાં ફોર્મ ભરતી વખતે ‘નો ન્યૂ ફોર્મ એક્સેપ્ટેડ’ (નવા ફોર્મ નહીં સ્વીકારવામાં આવે) એવો મેસેજ આવી રહ્યો છે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આંગણવાડી સેવિકાનો સંપર્ક કરવાનો મેસેજ આવી રહ્યો છે. ઓનલાઇન અને નારી શક્તિ દૂત એપ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવી હોવાથી અનેક મહિલા આ યોજનાનો લાભ લઈ શકી છે, પરંતુ હવે બંને ફોર્મ બંધ થઇ જતાં મહિલાઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર www.ladkibahin.maharashtra.gov.in વેબસાઈટના માધ્યમથી ફરી અરજી સ્વીકારે એવી માંગણી મહિલાઓ કરી રહી છે. રાજ્યની 18થી 60 વર્ષની વય જૂથની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે. અલબત્ત આ યોજના માટે કેટલીક શરતો હોવાથી ફોર્મ ભરતી વખતે પહેલા તેને વાંચી લેવું જોઇએ. અપાત્ર મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.