નેરુળમાં કૉલેજની વિદ્યાર્થિની પર કાચની બૉટલથી હુમલો: ભિક્ષુકની ધરપકડ
થાણે: નવી મુંબઈના નેરુળ પરિસરમાં વિના કારણ કૉલેજની વિદ્યાર્થિનીના માથા પર કાચની બૉટલ ફોડ્યા પછી તૂટેલી બૉટલથી ઘા ઝીંકવા બદલ પોલીસે ભિક્ષુકની ધરપકડ કરી હતી.
નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરે બનેલી ઘટનામાં ઈમામ હસન શમશુદ્દીન (26)ની ધરપકડ કરવામાં આવી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી 21 વર્ષની વિદ્યાર્થિનીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની ફ્રેન્ડ્સ સાથે નેરુળની કૉલેજમાં આવી હતી. બપોરે દોઢ વાગ્યાની આસપાસ તે બસ સ્ટોપ પાસે ઊભી હતી ત્યારે આરોપી ભિક્ષુક ત્યાં આવ્યો હતો. કોઈ પણ કારણ વગર ભિક્ષુકે કાચની ખાલી બૉટલથી વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો.
આરોપીએ બૉટલ વિદ્યાર્થિનીના માથા પર ફટકારી હતી. બાદમાં બોટલના તૂટેલા કાચથી તેના પેટ પર ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાસ્થળે હાજર લોકોએ વિદ્યાર્થિનીને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી. આ પ્રકરણે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મળેલી માહિતીને આધારે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. (પીટીઆઈ)