22.30 કરોડનું કોકેન, પોણાત્રણ લાખની રોકડ, વિદેશી ચલણ જપ્ત: બે વિદેશી નાગરિક સહિત ભાયંદરની મહિલાની ધરપકડ

મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 22.30 કરોડ રૂપિયાનું કોકેન, વિદેશી ચલણ અને પોણાત્રણ લાખની રોકડ જપ્ત કરીને બે વિદેશી નાગરિક સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
આરોપીઓમાં ભાયંદરના મોતીલાલ નગરમાં રહેનારી સબીના શેખ (42), નાઇજીરિયન નાગરિક એન્ડી ઉબાબુડીકે ઓનિન્સે (45) તેમ જ કેમેરુન દેશની ક્રિસ્ટાબેલ એન્જેઇ (32)નો સમાવેશ છે. ત્રણેય જણ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1 (કાશીમીરા)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે ભાયંદર પૂર્વના મોતીલાલ નગરમાં સબિના શેખના ઘરે રેઇડ પાડી હતી અને 17.74 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: સારો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિને નામે મેળવેલા ક્રેડિટ કાર્ડથી બૅન્કોને છેતરનારા પકડાયા
આ પ્રકરણે સબીના શેખ વિરુદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સબીનાના ઘરેથી મળેલું કોકેન તેને મીરા રોડના હાટકેશ ખાતે રહેનારા એન્ડી નામના નાઇજીરિયને આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આથી પોલીસ ટીમે એન્ડીની શોધ ચલાવી હતી અને એ જ દિવસે તેને તાબામાં લીધો હતો. તેની પાસેથી 3.90 કરોડનું કોકેન ઉપરાંત એક લાખની રોકડ જપ્ત કરાઇ હતી.
એન્ડીએ કોકેન વસઇ પૂર્વમાં રહેતી ક્રિસ્ટાબેલ નામની મહિલા પાસેથી લીધું હોવાનું જણાયા બાદ પોલીસ ટીમે તેને પણ પકડી પાડી હતી. ક્રિસ્ટાબેલ પાસેથી 65 લાખ રૂપિયાનું ડ્રગ્સ, એક લાખની રોકડ ઉપરાંત વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું