કોસ્ટલ રોડ પૂરી ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયાર
કોસ્ટલ રોડ અને વરલી-બાંદ્રા સી લિંકને જોડનારા પુલનું મુખ્ય પ્રધાનને હસ્તે આજે ઉદ્ઘાટન, આ માર્ગ દરરોજ સવારે 7થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે
મુંબઈ: ધર્મવીર, સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ પોજેક્ટ આગામી સોમવારથી પૂરી ક્ષમતાથી શરૂ થઇ જશે. આનું ઉદ્ઘાટન પ્રજાસત્તાક દિને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થવાનું છે. સોમવારે 27મી જાન્યુઆરીથી આ પુલ પર દક્ષિણ મુંબઈથી સીધા બાંદ્રા સુધી બેતરફી ટ્રાફિક વ્યવહાર શરૂ થઇ જશે.
વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ, લોટસ જંક્શન વગેરે ભાગોના પ્રવાસીઓને કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર આવન-જાવન કરી શકે એ માટે સુવિધા આપતા ત્રણ આંતરમાર્ગનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મુંબઈ કોસ્ટલ રોડ દરરોજ સવારે 7થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
કોસ્ટલ રોડને ખુલ્લો મૂકવો એટલે દક્ષિણ મુંબઈના એક ખૂણેથી ઉત્તર મુંબઈ છેડા સુધી, એટલે કે નરીમાન પોઈન્ટથી દહીંસર સુધી ઝડપી પહોંચવા માટે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ તબક્કા વાર આકાર લઇ રહ્યો છે. આ પૈકીનો પહેલા તબક્કા હેઠ્ળનો શામળદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર)થી વરલી-બાંદ્રા સી લિંક સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે.
આપણ વાંચો: મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે
આ પ્રોજેક્ટની લંબાઈ 10.58 કિ.મી. જેટલી છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટનું 94 ટકા બાંધકામ થઇ ગયું છે. આ પ્રોજેક્ટનો થોડો થોડો ભાગ અત્યાર સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે રવિવારે 26મી જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાકના દિને આ સંપૂર્ણ માર્ગ ટ્રાફિક વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
કોસ્ટલ રોડથી વરલી-બાંદ્રા સી લિંકને જોડવા માટે બે પુલ બનાવવામાં આવ્યા છે. એ પૈકીનો દક્ષિણ તરફ આવવા મટો બાંધવામાં આવેલા પહેલા પુલનું લોકાર્પણ 12મી સપ્ટેમ્બર, 2024ના રોજ કરવામાં આવ્યું હતું. ટ્રાફિકને હળવો કરવા માટે આ દક્ષિણ તરફના પુલ પરથી ઉત્તર તરફ (બાંદ્રા તરફ) જતા ટ્રાફિકને સવલત આપવામાં આવી હતી.
આપણ વાંચો: મુંબઈમાં કોસ્ટલ રોડના રૂટનો વિરોધ કરતી અરજી હાઈ કોર્ટે ફગાવી
હવે ઉત્તર તરફના પુલનું કામ પૂરું થઇ ગયું છે. આને કારણે હવે બંને પુલ પર નિયમિત દિશા તરફનો ટ્રાફિક શરૂ થઇ જશે. આથી હવે શામળદાસ ગાંધી માર્ગ (પ્રિન્સેસ સ્ટ્રીટ)થી બાંદ્રા સુધીના બંને તરફ પ્રવાસ કરવો શક્ય બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે પુલ લોકાર્પણ થવાનો છે તેની લંબાઈ 827 મીટરની છે. આમાં સમુદ્ર પર આવેલી લંબાઈ 699 મીટર, જ્યારે પહોંચવા માટેનો રસ્તો 128 મીટરનો છે. આ પુલ બાંધવા માટે 2400 મેટ્રિક ટ્રન વજનનું ગર્ડર બેસાડવામાં આવ્યું છે. આ ગર્ડરની લંબાઈ 143 મીટર, જ્યારે પહોળાઈ 27 મીટરની છે અને ઊંચાઈ 31 મીટર જેટલી છે.