મુંબઇગરા આનંદો! CNG 3 રુપિયા અને PNG 2 રુપિયા સસ્તુ
મુંબઇ: મુંબગરાને હાશકારો આપે એવા સમાચાર આવી રહ્યાં છે. મહાનગર ગેસ લિમિટેડે એક મોટો નિર્ણય લઇ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 3 રુપિયા અને પીએનજીના ભાવમાં 2 રુપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા એક પ્રચાર પત્ર (જાહેર નોટીસ) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ઘરવપરાશ અને વાહનોમાં કુદરતી ગેસનું પ્રમાણ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું, નવા દર 2 ઓક્ટોબર મધરાતેથી લાગૂ કરવામાં આવશે.
નવા દર મુજબ મુંબઇના મહાનગર ગેસ લિમિટેડના ગ્રાહકોને કિલો દીઠ 76 રુપિયાના દરે સીએનજી મળશે. જ્યારે પીએનજી 47 રુપિયામાં મળશે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં મોટી સંખ્યામાં સીએનજી વાહનો વપરાય છે. જ્યારે મુંબઇમાં અનેક જગ્યાએ રસોઇ માટે પીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) દ્વારા દરોમાં કરવામાં આવેલ ઘટાડો મુંબઇગરા માટે ફાયદાકારક સાબિત થશે.
એમજીએલએ કહ્યું કે, મુંબઇના સીએનજીનો વપરાશ કરનારા પેટ્રોલ પર 50 ટકા અને ડિઝલ પર 20 ટકાની બચત કરી રહ્યાં છે. એમજીએલએ એમ પણ કહ્યું કે, પીએનજીના દર ઘર વપરાશના એલપીજી કરતાં ઓછા છે. એલપીજીની સરખામણીમાં પીએનજી સસ્તું અને પર્યાવરણ પૂરક પણ છે.