સ્મૃતિ દિવસ: શહીદોનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા પ્રેરણા આપે છે – ફડણવીસ…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે મુંબઈમાં નાયગાંવ ખાતે પોલીસ હેડક્વાર્ટર શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમનું બલિદાન લોકોને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે એમ જણાવ્યું હતું.
21 ઓક્ટોબર 1959ના દિવસે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકોએ કરેલા હુમલામાં 10 જાંબાઝ પોલીસ કર્મી શહીદ થયા હતા ત્યારથી દર વર્ષે 21 ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ફડણવીસે X પર એક પોસ્ટમાં રજૂઆત કરી હતી કે ‘ફરજ બજાવતા જીવનું બલિદાન આપનારા જાંબાઝ અધિકારીઓનો પોલીસ સ્મૃતિ દિન પર અમે આભાર માનીએ છીએ. તેમનું બલિદાન આપણને હિંમત અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરણા આપે છે.’
આ પ્રસંગે મુંબઈ ઉપનગરીય જિલ્લાના નાયબ વાલી પ્રધાન, મહારાષ્ટ્રના પોલીસ મહાનિદેશક રશ્મિ શુક્લા, મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી, વિવિધ દેશના રાજદૂત અને પ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને આમંત્રિતો પણ હાજર રહ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં દેશ માટે બલિદાન આપનારા 34 અધિકાર અને 157 કોન્સ્ટેબલ સહિત 191 પોલીસ કર્મચારીઓને ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી. કર્મચારીઓના નામ વાંચવામાં આવ્યા બાદ પોલીસ બેન્ડ સાથે ઔપચારિક સલામી આપવામાં આવી હતી. ગણવેશધારી અધિકારીઓ અને જવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્ય પ્રધાને મૃતકોના પરિવારજનો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સમારોહમાં હાજર મહેમાનો સાથે વાતચીત કરી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…દિવાળીના ફટાકડાને કારણે વાતાવરણમાં ઝેરી ધાતુના રજકણ ફેલાયા: એનજીઓએ સરકારને દોષી ઠેરવી…