વિપક્ષની અવાજ નહિ દબાવીએ, મંત્રીમંડળના વિસ્તરણ પર બોલ્યા CM ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની શપથવિધિ પૂર્ણ થયા બાદ મહાયુતિ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. ત્યારબાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર વેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ વખતની ઈનિંગ્સ ટેસ્ટ મેચ જેવી હશે. તેમણે કહ્યું કે જો વિપક્ષ કોઈ યોગ્ય મુદ્દો લાવશે તો તેમનો અવાજ દબાવવામાં આવશે નહીં.
વિપક્ષનો અવાજ નહિ દબાવીએ
શપથવિધિ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સચિવાલય પહોંચ્યા અને કેબિનેટની બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે પ્રેસને સંબોધિત કરી હતી. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્ર સામાજિક, માળખાકીય, ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધતું રહેશે.
તેમણે કહ્યું કે જે યોજનાઓ ચાલી રહી છે તેને ચાલુ રાખવામાં આવશે, કોઈપણ યોજના બંધ કરવામાં આવશે નહીં. અમે વિપક્ષના અવાજને દબાવવામાં માનતા નથી. ભલે તેમની સંખ્યા ઓછી હોય પરંતુ જો તેઓ યોગ્ય મુદ્દો ઉઠાવશે તો તેમનો અવાજ સાંભળવામાં આવશે.
આપણ વાંચો: મી દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ શપથ ઘેતો કી…: ભવ્યાતિભવ્ય શપથવિધિ સપન્ન
બધાને સાથે લઈને ચાલનારી સરકાર જોવા મળશે
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું કે રાજ્ય કેબિનેટમાં કોઇ વધારે ફેરફાર કરવામાં નહીં આવે. જ્યારે 7, 8 અને 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર યોજાશે અને તે દરમિયાન જ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી કરી લેવામાં આવશે.
ફડણવીસે કહ્યું કે અમે નાગપુર અધિવેશનની શરૂઆત પહેલા જ પોર્ટફોલિયોનું કામ પૂર્ણ કરીશું. તેમણે કહ્યું- તમે એક એવી સરકાર જોશો જે બધાને સાથે લઈને ચાલશે, જો સમસ્યાઓ આવશે તો અમે સાથે મળીને રસ્તો શોધીશું અને મહારાષ્ટ્રને આગળ લઈ જઈશું.
આપણ વાંચો: શપથવિધિ બાદ શિંદે-શાહની મુલાકાત? રાજકીય દબદબો હેમખેમ રાખવાનો પ્રયાસ: સૂત્ર
પહેલી ફાઈલ પર સીએમએ કરી સાઈન
મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાઈ ગઈ છે અને હવે કેબિનેટ રચાયા બાદ કેબિનેટની બેઠકો થશે અને નવા નિર્ણયો અને પોલીસી ઘડાશે, પરંતુ તે પહેલા જ ફડણવીસે એક ફાઈલ પર સાઈન કરી છે.
આ ફાઈલ પુણેના ચંદ્રકાન્ત કુવ્હાડેની છે. તેમના પત્નીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોવાથી તેમણે મુખ્ય પ્રધાન આરોગ્ય ફંડમાંથી ફંડ આપવા અરજી કરી હતી. ફડણવીસે તેમને રૂ. 5 લાખની મદદ આપતી ફાઈલ પર સાઈન કરી પોતાના નવા કાર્યકાળની શરૂઆત કરી હતી.