સ્વચ્છતા ઝુંબેશને કારણે હવાની ગુણવત્તા સુધરી: મુખ્ય પ્રધાનનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મોટા પાયા પર હાથ ધરવામાં આવેલી ‘સ્વચ્છતા ઝુંબેશ’ને કારણે મુંબઈ મહાનગરની હવાની ગુણવત્તા સુધરી હોવાનો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કર્યો હતો. રવિવારે સાંજે ચાર વાગે મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૫૮ નોંધાયો હતો.
ચોમાસા બાદ મુંબઈમાં વાતાવરણમાં ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાને કારણે હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. ક્ધસ્ટ્રક્શન સાઈટ માટે ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન પણ બહાર પાડી છે. એ સાથે જ મુંબઈમાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે હેઠળ મુંબઈના તમામ ઝોનમાં દર અઠવાડિયે સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન મુખ્ય પ્રધાને દાવો કર્યો હતો કે મુંબઈમાં ઉપરાઉપરી હાથ ધરવામાં આવેલી આ સ્વચ્છતા ઝુંબેશને કારણે મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી છે.
મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ મુંબઈમાં સફાઈ ઝુંબેશ હેઠળ રસ્તા પાણીથી ધોવામાં આવી રહ્યા છે, તેથી વાતાવરણમાં રહેલી ધૂળનું પ્રમાણ ઘટવાને કારણે હવાની ગુણવત્તા સુધરી છે. પાણીનો છંટકાવ કરનારા મિસ્ટ મશીનને કારણે હવામાં રહેલા ધૂળનું પ્રમાણ ઘટી ગયું છે. મુંબઈમાં અમુક ઠેકાણે હવાની ગુણવત્તા સુધરી છે, જેમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૫૦ પરથી ૨૦૦ કરતા પણ ઓછો થઈ ગયો છે. પવઈ, બોરીવલી જેવા વિસ્તારમાં એક્યુઆઈ ૧૦૦ કરતા નીચે આવી ગયો છે. બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં એક્યુઆઈ ૧૦૦ કરતા નીચે આવી ગયો છે.
નોંધનીય છે કે શનિવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૨૫ નોંધાયો હતો. તો ચકાલા અંધેરી (પૂર્વ)માં એક્યુઆઈ ૧૨૩, ખિંડીપાડા -ભાંડુપ (પશ્ર્ચિમ) ૧૧૯, મલાડ (પશ્ર્ચિમ) ૧૫૫, મઝગાંવ ૧૧૫, નેવી નગર-કોલાબા ૧૧૦, બોરીવલી (પૂર્વ)માં ૧૦૬, ચેંબુર ૧૨૪,કોલાબામાં ૧૧૮, બાંદ્રા ૨૧૦, પવઈ ૧૩૨, સાયન ૧૩૬, વિલ પાર્લે ૧૩૧, વરલી ૧૨૭, ભાયખલા ૯૨, ઘાટકોપર (પૂર્વ) ૧૧૬, શિવડી ૧૩૬ નોંધાયો હતો.