‘સ્વચ્છ, સુંદર, નિરોગી મુંબઈ ’ મુંબઈમાં ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશનો આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સ્વચ્છ, સુંદર, હરિયાળી અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે રવિવાર, ત્રણ ડિસેમ્બરથી સમગ્ર મુંબઈમાં સ્વચ્છતા ઝુંબેશનો મુખ્ય પ્રધાનના હસ્તે આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને સિનિયર સિટિઝન સહિત અનેક સરકારી બિનસરકારી સંસ્થા જોડાઈ હતી. આ ઝુંબેશ અંતર્ગત રસ્તા, ફૂટપાથને ધૂળ મુક્ત કરવાની સાથે બેવારસ વાહનોને હટાવવામાં આવશે અને ગેરકાયદે રીતે લગાડવામાં આવેલા હૉર્ડિંગ્સ અને બેનરોને પણ કાઢવામાં આવશે.
રવિવારે વહેલી સવારના મુખ્ય પ્રધાનના હસ્તે ધારાવીથી આ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કમલા નહેરુ ઉદ્યાન, બાણગંગા તળાવ, ગિરગામ ચોપાટી જેવા સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ રસ્તાઓની સાથે જ મુંબઈની ફૂટપાથને ધૂળમુક્ત કરવાની સાથે જ ગટરો અને નાળા નિયમિત સાફ કરવામાં આવવાના છે. ઠેર-ઠેર પડી રહેલા બેવારસ વાહનોને હટાવવાની સાથે જ મંજૂરી વગર લગાડવામાં આવેલા જાહેરાતના હૉર્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવશે. સાર્વજનિક પ્રસાધન ગૃહોની સફાઈ કરવામાં આવશે. ઉદ્યાનો અને રમતગમતના મેદાનોની સફાઈ, કર્મચારીઓની ક્વોટર્સ, ફેરિયાઓને હટાવવાની સાથે જ ગમે ત્યાં પડી રહેલા કાટમાળને પણ હટાવવામાં આવવાનો છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેના જણાવ્યા મુજબ સમગ્ર મુંબઈને પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં મનુષ્યબળની સાથે જ મશીનોની મદદ લેવામાં આવી રહી છે. રસ્તા, ફૂટપાથ અને સાર્વજનિક ઠેકાણે રહેલી ધૂળને બ્રશથી હટાવીને ત્યારબાદ તેને ધોવામાં આવી રહ્યા છે. ફૉગર, એન્ટી સ્મોગ અને અન્ય મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેન્ક દ્વારા રસ્તા, ફૂટપાથ અને ચોકને એકાંતરે ધોવામાં આવી રહ્યા છે. ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ફૉગર અને સ્પ્રીંકલર બેસાડવાના આદેશ પાલિકાએ આપ્યો છે અને હવે પાલિકા દ્વારા મુંબઈમાં ‘ડીપ ક્લિનિંગ’ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી રહી છે.