નિર્માણાધીન ઈમારત પરથી પટકાયેલા એન્જિનિયરનું મોત: બિલ્ડર સામે ગુનો…

મુંબઈ: મલાડમાં નિર્માણાધીન ઈમારતના 10મા માળેથી છઠ્ઠા માળે પટકાયેલા સિવિલ એન્જિનિયરનું મૃત્યુ થતાં પોલીસે બિલ્ડર અને અન્ય ભાગીદારો તેમ જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કામના સ્થળે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ મલાડ પશ્ચિમમાં વળણાઈ ખાતે સાતમી જુલાઈએ બનેલી ઘટનામાં ઓમકાર સંખે (24)નું મૃત્યુ થયું હતું. આ પ્રકરણે ઓમકારના પિતા વિનોદ સંખેએ મંગળવારે નોંધાવેલી ફરિયાદને આધારે મલાડ પોલીસે બિલ્ડર નીમેષ દેસાઈ સહિત અન્યો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) અને 290 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર વળણાઈ ખાતે ગૌતમ બુદ્ધ માર્ગ નજીક શ્રી જી બિલ્ડર્સ ઍન્ડ ડેવલપર્સ દ્વારા એસઆરએ પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું છે. બોરીવલીમાં રહેતો ઓમકાર બાંધકામના સ્થળે જુનિયર સાઈટ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. સાતમી જુલાઈની સાંજે ઓમકાર નિર્માણાધીન ઈમારતના 10મા માળે નિરીક્ષણ માટે ગયો હતો. ઓમકાર લોખંડની જે જાળી પર ઊભો હતો તે એકાએક સરકી ગઈ હતી, જેને કારણે તે 10મા માળેથી છેક છઠ્ઠા માળના સ્લૅબ પર પડ્યો હતો.
ગંભીર ઇજાને કારણે ઓમકારના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ઓમકારના પિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે કામના સ્થળે કર્મચારીઓની સુરક્ષા માટેનાં કોઈ સાધનો પૂરાં પાડવામાં આવ્યાં નહોતાં. લોખંડની જાળી યોગ્ય રીતે ગોઠવી નહોતી, જેને કારણે આ ઘટના બની હતી. વળી, 10મા માળ નીચે સુરક્ષાની જાળી લગાવવામાં આવી નહોતી એટલે ઓમકાર છેક છઠ્ઠા માળના સ્લૅબ પર પટકાયો હતો.