પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરથી કરન્ટ લાગતાં બાળકનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરના સંપર્કમાં આવેલા 11 વર્ષના બાળકનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. ક્રિકેટ રમતી વખતે બૉલ લેવા ગયેલા બાળકને વીજળી આંચકો લાગતાં દિંડોશી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા બાળકની ઓળખ આદિલ ચૌધરી તરીકે થઈ હતી. ગોરેગામમાં સંતોષ નગર સ્થિત બીએમસી કોલોનીમાં રહેતા આદિલના પિતા બદરેઆલમ ચૌધરીએ પુત્રના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: લોઅર પરેલમાં દિવાલ તૂટી પડતા આઠ વર્ષની બાળકીનું મૃત્યુ
પોલીસે જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરે 2.45 વાગ્યે એનએનપી સર્કલ નજીકના પાલિકાના ગાર્ડન ખાતે બની હતી. આદિલ ઘર નજીકના ગાર્ડન ખાતે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. બૉલ રેલિંગની બીજી તરફ ગયો હતો. આદિલ બૉલ લેવા રેલિંગ નજીક ગયો ત્યારે તેને કરન્ટ લાગ્યો હતો.
બેભાન આદિલને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે નિરીક્ષણ કરતાં ખુલ્લો વાયર રેલિંગ સાથે વીંટળાયેલો હોવાથી રેલિંગમાં કરન્ટ પસાર થયો હોવાનું જણાયું હતું.