ચિખલદરામાં પ્રવાસીઓનો ધસારો: 10 KMનો ટ્રાફિક જામ, સ્થાનિકો અને પ્રવાસીઓ પરેશાન…

મુંબઈઃ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલું ચિખલદરા હિલ સ્ટેશન ચોમાસામાં પર્યટકોમાં વિશેષ માનીતું છે. હરિયાળી અને સફેદ ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. આ સુંદર નજારો જોવા, ગયા સપ્તાહના અંતે (12-14 જુલાઈ) લાખો લોકોની ભીડ અહીં ઉમટી પડી હતી. આ સમય દરમ્યાન લગભગ એક લાખ પ્રવાસીઓ અહીં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. રવિવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ જ્યારે પરતવાડાથી ચિખલદરા સુધી લગભગ દસ કિમી લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિ એવી વણસી હતી કે ઘણા પ્રવાસીઓ પોતાના વાહનોમાંથી ઉતર્યા વિના પાછા ફર્યા હતા.
ધામણગાંવ ગઢીથી ચિખલદરા જતી વખતે અને પરત ફરતી વખતે ઘટાંગ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ લાખોની ભીડ સામે આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી. શનિવાર રાતથી રવિવાર સાંજ સુધી, પરતવાડા, મોથા, નગર પરિષદ નાકા અને ધામણગાંવ ગઢી રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ ભીડને કાબુમાં લેવામાં અને પર્યટન સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે થાકી ગયા હતા. ધામણગાંવ ગઢીની ચેકપોસ્ટ પર સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી.

અંતિમસંસ્કારના સ્થળે જનારાને બે કિલોમીટર ચાલીને જવું પડ્યું
પ્રવાસીઓના ધસારાની અસર સામાન્ય નાગરિકો પર પણ પડી હતી. રવિવારે, ધામણગાંવ ગઢી વિસ્તારમાં એક અંતિમયાત્રા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. પરિવારને અંતિમસંસ્કારના સ્થળ સુધી લગભગ બે કિલોમીટર ચાલીને જવાની ફરજ પડી હતી. પર્યટન સ્થળ પર એટલી બધી ભીડ હતી કે ઘણા પ્રવાસીઓ પોતાના વાહનોમાંથી ઉતરી પણ ન શક્યા અને 4 થી 5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા પછી પણ તેમને આગળ વધવાનો રસ્તો ન મળતા તેમને પાછા ફરવું પડ્યું હતું.

સ્થાનિક દુકાનદારોએ પ્રવાસીઓનો લાચારીનો ગેરલાભ લીધો
સ્થાનિક દુકાનદારોએ પ્રવાસીઓની લાચારીનો ભરપૂર લાભ લીધો. બેસન પોળી ₹250 માં અને સમોસા ₹ 50માં વેચ્યા હતા. શુદ્ધ પાણી અને શૌચાલય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. પરતવાડા, અકોલા, ધામણગાંવ ગઢી અને બૈતુલ રોડ સુધીની બધી હોટેલ, લોજ અને ઢાબામાં ‘હાઉસફુલ’ના પાટિયા લાગેલા હતા. હજારો પ્રવાસીઓની ભીડને કારણે, લોકોને રેસ્ટોરામાં ઓર્ડર આપ્યા બાદ કલાકો સુધી રાહ જોવી પડી હતી.