મનસેના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાનની ચેતવણી
મરાઠીભાષાના ઉપયોગ માટે કાયદો હાથમાં લેવાનું સહન નહીં કરાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે ચેતવણી આપી હતી કે કેટલાક લોકો મરાઠી ભાષાના ઉપયોગની માગણી કરતી વખતે કાયદો હાથમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે જેને સહન કરવામાં આવશે નહીં.
એમએનએસ દ્વારા રાજ્યની સત્તાવાર ભાષાના આક્રમક આગ્રહ રાખવામાં આવે છે ત્યારે તેમણે કરેલા નિવેદનને ગંભીર માનવામાં આવે છે. ‘મરાઠી ભાષાના ઉપયોગનો આગ્રહ રાખવો ખોટું નથી, પરંતુ જો આમ કરતી વખતે (કોઈ દ્વારા) કાયદો હાથમાં લેવામાં આવે, તો તે સહન કરવામાં આવશે નહીં અને સંબંધિત વ્યક્તિઓ સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,’ એમ ફડણવીસે અહીં પત્રકારોને જણાવ્યું હતું.
આપણ વાંચો: ભૈયાજી જોશીની મરાઠી ભાષા પર સ્પષ્ટતા, ‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’
મનસે દ્વારા રાજ્યમાં પાલિકાની ચૂંટણીઓ પહેલાં મરાઠીના મુદ્દાને જોરશોરથી આગળ ધપાવવામાં આવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓ મરાઠીનો બેંકો અને અન્ય સંસ્થાનોમાં ઉપયોગ કરાવવા માટે દબાણ કરતા જોવા મળી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે મનસેએ બે અલગ અલગ બનાવમાં થાણે અને પુણેમાં બેંકના મેનેજરોને ગ્રાહકો સાથે મરાઠીમાં વાત ન કરવા બદલ ધાકધમકી આપી હતી. એક બનાવ અંબરનાથમાં અને બીજો લોનાવલામાં બન્યો હતો અને તેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયા હતા.