આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ડ્રીમ પ્રોજેક્ટ પણ પાલિકામાં ફસાયો

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન બન્યા બાદ હેલ્થ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાનો વાયદો કર્યો હતો અને નિ:શુલ્ક બ્લડ ટેસ્ટની સ્કીમને વધુ સારી રીતે રોલ આઉટ કરવાનો નિર્દેશ અધિકારીઓને આપ્યો હતો, પણ નિ:શુલ્ક બ્લડ ટેસ્ટની આ યોજનામાં વારંવાર નડતર આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલિકાના અમુક હેલ્થ સેન્ટરમાં `આપલી ચિકિત્સા યોજના’ હેઠળ થનારી ટેસ્ટિંગ સુવિધા બંધ છે. આનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓના નમૂના ભેગા કરવા માટે રાખવામાં આવેલા ફ્લેબોટોમિસ્ટને વેતન નથી મળી રહ્યા, જેને કારણે તેઓએ કામ બંધ કરી દીધું છે. એવામાં અનેક દર્દીઓને ટેસ્ટિંગ માટે અન્ય કેન્દ્રો પર કાં પછી પ્રાઈવેટ લેબોરેટરીમાં જવું પડે છે. થોડા મહિના પહેલાં પણ તેઓને વેતનની તકલીફ થઇ રહી હતી. અનેક સમજાવટ બાદ તેઓએ હડતાળ પાછી ખેંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આર્થિક રૂપથી નબળા અને ગરીબોને ઓછા પૈસામાં ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પાલિકાએ 2019માં તેની ડિસ્પેન્સરી, મેટરનિટી હોમ અને હોસ્પિટલોમાં પોતાની ચિકિત્સા સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સૌપ્રથમ દર્દીએ રૂ. 50 ભરવા પડતા હોય છે. આ ફીમાં અંદાજે 147 પ્રકારનાં ટેસ્ટિંગ તે કરી શકે છે.

આમાં અનેક એડવાન્સ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પાલિકાએ ગયા વર્ષે આ ટેસ્ટિંગ સુવિધા દર્દીઓને નિ:શુલ્ક પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી લોકોને ઘણો ફાયદો થયો હતો, પણ ધીરે ધીરે આ સુવિધા ડિસ્પેન્સરી અને હોસ્પિટલોમાં બંધ થઇ ગઇ.

સૂત્રોના જણાવ્યા અનુસાર આપલી ચિકિત્સાનું ટેન્ડર ગયા વર્ષે બહાર પાડીને જે સંસ્થાને આપવામાં આવ્યું હતું એ સંસ્થાએ ફ્લેબોટોમિસ્ટની નિમણૂક તો કરી હતી, પણ તેઓને પગાર સમય પર ન અપાતાં તેઓએ કામ બંધ કરી દીધું છે. આને કારણે મુખ્ય પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button