વિપક્ષના નિશાન પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
શરદ પવારનો ખુલ્લો પત્ર, ઉદ્ધવ ઠાકરેએ અપશબ્દનો કર્યો ઉલ્લેખ, સંજય રાઉતે પણ કરી ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારનો દિવસ ભારે રાજકીય ગરમાગરમીનો હતો. એનસીપી સુપ્રીમો શરદ પવાર, શિવસેનાના ઉબાઠા જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત તેમ જ મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
શરદ પવારે મુખ્ય પ્રધાનને ખુલ્લો પત્ર મોકલીને દૂધના દર બાબતે સરકારે તાકીદે કાર્યવાહી કરવી જોઈએ એમ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે 14 જુલાઈ, 2023ના રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને ગાયના દૂધને લઘુતમ રૂ. 34 પ્રતિલિટર કરી આપવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં આદેશનું પાલન થઈ રહ્યું નથી. સરકારે આ અંગે કાર્યવાહી કરવાની આવશ્યકતા છે, એવી સલાહ પવારે પોતાના પત્રમાં આપી છે. તેમણે દૂધ સંઘોને પણ સહકાર કરવાની અપીલ કરી છે.
બીજી તરફ પત્રમાં શરદ પવારે ઉપવાસ પર બેઠેલા અજિત નવલે અને તેમના સહકારીઓને તબિયતનું ધ્યાન રાખવાની સલાહ આપતાં ઉપવાસ પાછા ખેંચવાની અપીલ કરી હતી. તેમણે ઉત્પાદકોને દૂધ રસ્તા પર ન ઢોળી નાખવાની સલાહ આપી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં તેમના માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. અત્યારે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે એકનાથ શિંદે પાડોશી રાજ્ય તેલંગણામાં પ્રચાર કરી રહ્યા છે તે મુદ્દે તેમની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે કમોસમી વરસાદને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 100થી વધુ દૂધાળા પ્રાણીનાં મોત થયાં છે.
દ્રાક્ષ અને કાંદાના ઉત્પાદકોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે મરાઠવાડા, વિદર્ભ અને ઉત્તર ગુજરાતની અંદાજે એક લાખ હેક્ટર ખેતી હેઠળની જમીનને કમોસમી વરસાદનો ફટકો પડ્યો છે. રાજ્યમાં અત્યારે કોઈ સરકાર જ નથી. બધા લોકો પ્રચારમાં વ્યસ્ત છે. અત્યારે સરકારને બદલવાનો સમય આવી ગયો છે. ઘરના લોકોની ચિંતા કરવાને બદલે અન્ય રાજ્યમાં અન્ય પાર્ટી માટે પ્રચાર કરવા જઈ રહેલી વ્યક્તિ સરકાર ચલાવવા લાયક નથી અને તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી, એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે એકનાથ શિંદે માટે પંચતારાંકિત ખેડૂતનો ઉલ્લેખ પણ કર્યો હતો.
બીજી તરફ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે રાજ્યમાં દૂધના ભાવને લઈને ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને મુદ્દે સરકારની ટીકા કરી હતી તેમણે સરકારને અપીલ કરી હતી કે 25થી 28 રૂપિયાના દરે ગાયનું દૂધ વેચવાનું ખેડૂતોને પરવડી શકે નહીં. સરકારે આ મુદ્દે બંને પક્ષો સાથે સમજૂતીથી રસ્તો કાઢવાની આવશ્યકતા છે. થોરાતે મંગળવારે ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા ડો. અજિત નવલે અને તેમના સાથીઓની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું હતું કે પહેલાં રૂ. 34 પ્રતિલિટર જેટલો દૂધ ખરીદી દર હતો તે ઘટીને અત્યારે રૂ. 25 પ્રતિલિટર સુધી આવી ગયો છે. છ- છ દિવસથી લોકો ઉપવાસ કરી રહ્યા છે અને સરકાર પાસે તેમના પ્રત્યે ધ્યાન આપવાનો પણ સમય નથી.
એકનાથ શિંદે અત્યારે પાડોશી રાજ્યમાં પ્રચાર કરી રહ્યા હોવાની ટીકા કરતાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે તાકીદે પગલાં લેવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે સુકી જમીન પર ખેતી કરનારાને એકરદીઠ રૂ. 25,000 અને બાગાયતી ખેતી માટે એકરદીઠ રૂ. 50,000ની મદદ તત્કાળ આપવી.
એકનાથ શિંદેનો ખુલાસો
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે 99,381 હેક્ટર ક્ષેત્રમાં નુકસાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે પ્રાથમિક માહિતી અનુસાર 99,381 હેક્ટર ક્ષેત્રમાં પાકને નુકસાન થયું છે. કલેક્ટરોને પંચનામા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમના પ્રકરણો તાકીદે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવે એવા આદેશ આપવામાં આવ્યા છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે નુકસાન થયેલા વિસ્તારનો આ અંદાજ ફક્ત પ્રાથમિક છે. નુકસાન થયેલા વિસ્તારના પ્રસ્તાવ કલેક્ટરે યોગ્ય સમયમાં રજૂ કરવા એવા આદેશ મુખ્ય પ્રધાને આપ્યું હતું.