મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં અનેક વર્ષોથી કરવામાં આવેલી મરાઠા આરક્ષણની માગણીને રાજ્ય સરકારે આખરે સ્વીકારી લીધી હતી. ગયા વર્ષે ફરી મરાઠા આરક્ષણ આંદોલનની શરૂઆત થતાં તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હેઠળની મહાયુતિ સરકાર માટે આ ફેસલો મુશ્કેલ બનશે એવું કહેવામાં આવ્યું હતું. જોકે આ દરેક બાબતને ખોટી સાબિત કરી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકાર મરાઠા આંદોલનને નિયંત્રણમાં લાવવા સફળ સાબિત થઈ હતી.
જૂન 2020માં રાજ્યમાં સત્તા પલટો થતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા જ્યારે રાજ્યની કમાનને એકનાથ શિંદેને આપવામાં આવી હતી, ત્યારે શિંદે મુખ્ય પ્રધાન બનવા યોગ્ય નથી એવું માનવામાં આવ્યું હતું. શિંદે મોટા નેતા નથી, પણ શિંદે દ્વારા જે રીતે મરાઠા આંદોલનનો નિર્ણય લેવામાં લાવવામાં આવ્યો છે, એ વાતથી શિંદે મુખ્ય પ્રધાન બનવા યોગ્ય નથી એ વાત પર પૂર્ણવિરામ લાગી ગયો છે. મુખ્ય પ્રધાન તરીકે શિંદેને 19 મહિના પૂર્ણ થઈ ગયા છે. મહારાષ્ટ્રને કુલ 16 મુખ્ય પ્રધાન મળ્યા છે જેમાંથી 11 મરાઠા સમાજમાંથી બન્યા છે. આ 11 મુખ્ય પ્રધાનોમાંથી એક મુખ્ય પ્રધાન શિંદે પણ છે.
મરાઠા આરક્ષણના મુદ્દાને ઉકેલવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જેવા નેતા પણ સામેલ છે, પણ મરાઠા આંદોલનની વાત કરીએ તો શિંદે ફડણવીસ અને પવારથી પણ આગળ નીકળી ગયા છે. શિંદેએ બે વખત મનોજ જરાંગે પાટીલનું અનશન બંધ કરાવી મરાઠા સમાજને પણ પોતાની તરફ કર્યું હતું. જે પ્રકારે શિંદેએ મરાઠા આરક્ષણનો અંત લાવ્યો તેને જોઈને શિંદે મરાઠાઓના મસીહા તરીકે સામે આવ્યા છે. આરક્ષણના આંદોલન દરમિયાન જ્યારે મરાઠા સમાજને બે યુવાનોએ આપઘાત કર્યો હતો ત્યારે શિંદેએ સઘન અપીલ પણ કરી હતી જેની અસર દેખાઈ હતી.
મુંબઈમાં જરાંગે પાટીલનું આંદોલન પહોંચ્યા પહેલા જ નવી મુંબઈમાં જરાંગે પાટીલના આંદોલનની માગણીઓને માન્ય કરીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાને મરાઠા સમાજની ચિંતા કરનાર વ્યક્તિ તરીકે પોતાની છબી બનાવી હતી. શિંદેએ એક વખત નહીં પણ ત્રણ વખત મરાઠા આંદોલનમાં પરિસ્થિતિને હિંસક બનવાથી અટકાવી હતી. જ્યારે બીજી વખતે મરાઠા આંદોલનનો અંત આવ્યો હતો, ત્યારે ભૂતપૂર્વ જજોને લીધે તેમને સફળતા મળી હતી. મરાઠા આંદોલનને લઈને મુખ્ય પ્રધાનની રણનીતિ સફળ રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ કારણને લીધે આગામી લોકસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેનો મોટો લાભ મળવાનો છે.
મુખ્ય પ્રધાન શિંદે દ્વારા મરાઠા આંદોલન અને આરક્ષણને લઈને લેવામાં આવેલા નિર્ણયને લીધે તેઓ મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા છે. મરાઠા સમાજ કૉંગ્રેસ અને એનસીપી માટે વોટ બેન્ક રહ્યા છે. આ બાબતે એક નિષ્ણાતે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન શિંદેએ મરાઠા વોટ બેન્કને પોતાની તરફ ખેંચી લીધી છે. શિંદેના નિર્ણયનો સૌથી વધારે ફટકો કૉંગ્રેસ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને લાગી શકે છે.