ચેમ્બુરમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, પૂજારીની ધરપકડ

મુંબઈઃ ચેમ્બુરમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી હતી. અહીંના મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે જોયું કે ગર્ભગૃહમાં સ્થાપિત કાલી માતાની મૂર્તિને માતા મેરી જેવા કપડાં પહેરાવીને શણગારવામાં આવી હતી. આ દ્રશ્યથી મંદિરમાં આવેલા ભક્તો ગુસ્સે થયા હતા. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે પૂજારીની ધરપકડ કરી હતી અને હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.
આ ઘટના ચેમ્બુર વિસ્તારમાં બની હતી. વાશી નાકા ખાતે આવેલા કાલી માતા મંદિરમાં દર્શન કરવા ગયેલા એક ભક્તે દેવી કાલીની મૂર્તિ માતા મેરી જેવી જોવા મળી હતી. આ સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. જોતજોતામાં મંદિર પરિસરમાં ભીડ એકઠી થઈ ગઈ, જેમાં અનેક હિન્દુ સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો. આ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, જેના કારણે મંદિરની અંદર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાચો : Bangladesh માં ઇસ્કોનના પૂજારીની ધરપકડ મુદ્દે ભારતનું કડક વલણ, કહ્યું હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો
ભક્તોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી અને પુજારી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કેસ નોંધ્યો હતો, જ્યારે લોકોએ મંદિરના પૂજારી રમેશને આ વિવાદાસ્પદ કૃત્ય વિશે પૂછ્યું ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપ્યો હતો. પૂજારીએ દાવો કર્યો કે દેવી કાલી પોતે તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમને માતા મેરી જેવો પોશાક પહેરાવીને શ્રૃગાંર કરવાની સૂચના આપી હતી.
જોકે, આ સ્પષ્ટીકરણથી ભક્તો અને સ્થાનિક લોકોને સંતોષ થયો નહોતો, તેથી તેમણે સખત વાંધો ઉઠાવ્યો અને ચિંતા વ્યક્ત કરી. સ્થાનિક લોકોએ આરોપી પૂજારી રમેશને પકડી લીધો અને તેને RCF પોલીસ સ્ટેશનને સોંપી દીધો. તેમણે આરોપ લગાવ્યો કે પૂજારીએ કોઈ અજાણ્યા વ્યક્તિના પ્રભાવ હેઠળ અથવા નાણાકીય લાભ માટે આવું કૃત્ય કર્યું છે. તેમનો દાવો છે કે કોઈએ પૂજારીને આવું કરવા માટે પૈસા આપ્યા છે.
આ પણ વાચો : બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ સાધુની ધરપકડ; હિંદુ સમુદાય આકરા પાણીએ…
પોલીસે જણાવ્યું હતું કે પૂજારીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે કોના નિર્દેશ પર અને કયા હેતુથી પૂજારીએ કાલી માતાની મૂર્તિને આવો પોશાક પહેરાવ્યો હતો.



