ચેક બાઉન્સના કેસમાં ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધના સમન્સ કોર્ટે રદ કર્યા

મુંબઈ: 2019ના ચેક બાઉન્સના કેસમાં સેશન્સ કોર્ટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ મૅજિસ્ટ્રેટે જારી કરેલા સમન્સને રદ કર્યા હતા અને નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે આદેશ આપતાં પૂર્વે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) હેઠળ ફરજિયાત તપાસ હાથ ધરી નહોતી.
એડિશનલ સેશન્સ જજ કુણાલ ધનાજી જાધવે સીઆરપીસીની કલમ 202 હેઠળ તપાસ કરવાના નિર્દેશ આપીને આ મામલો ફરી ટ્રાયલ કોર્ટ પાસે મોકલી દીધો હતો. ગયા મહિને આ આદેશ અપાયો હતો.
મઝગાંવ કોર્ટના મૅજિસ્ટ્રેટે સાતમી જૂન, 2019ના રોજ આપેલા આદેશ સામે ઉથપ્પાએ વકીલ સિદ્ધેશ બોરકર મારફત સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો: ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેન સામે અરેસ્ટ વોરંટ જાહેર, આ મામલે નોંધાયો કેસ
2019માં ખાનગી કંપની સિનિયર માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડે અન્ય કંપની સેન્ટોરસ લાઈફસ્ટાઈલ અને ઉથપ્પા સહિત તેના ડિરેક્ટરો સામે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. અપૂરતા ભંડોળને કારણે ચેક બાઉન્સ થવા સંબંધી આ ફરિયાદ હતી.
ઉથપ્પાએ રિવિઝન અરજીમાં જણાવ્યું હતું કે તે બેંગલુરુનો રહેવાસી છે, જે લોકલ કોર્ટની ન્યાયસીમાની બહાર છે અને મૅજિસ્ટ્રેટે સમન્સ ઈશ્યુ કરતાં પૂર્વે સીઆરપીસીની કલમ 202 હેઠળ ફરજિયાત તપાસ હાથ ધરી નહોતી.
સેન્ટોરસ લાઈફસ્ટાઈલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તેના ઉત્પાદનોના વિતરણ અને વેચાણ માટે ફરિયાદી કંપની સાથે કરાર કર્યા હતા.
જોકે અમુક વિવાદને કારણે કરાર તોડી નાખવામાં આવ્યા હતા. લાઈફસ્ટાઈલ કંપનીએ તે પછી માર્કેટિંગ કંપનીને ફેડરલ બૅન્કનો 22,22,729 રૂપિયાનો પોસ્ટ ડેટેડ ચેક આપ્યો હતો, પરંતુ અપૂરતા ભંડોળના રિમાર્ક સાથે ચેક બાઉન્સ થયો હતો.
(પીટીઆઈ)