આમચી મુંબઈ

સસ્તામાં સોનું ખરીદવા બોલાવ્યા પછી પોલીસની રેઇડને બહાને ઠગનારા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિદેશથી આયાત કરાયેલું શુદ્ધ સોનું સસ્તી કિંમતે ખરીદવાને બહાને વેપારીને સાંતાક્રુઝમાં બોલાવ્યા પછી પોલીસની રેઇડ પડી હોવાનું બહાનું કરીને કથિત ઠગાઈ કરનારા ત્રણ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યા હતા.

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ મોહસીન અબુબિલાલ ચૌધરી (33), તબરેઝ યુનુસ કુરેશી (39) અને પ્રદીપ દાદારામ થોરાત (37) તરીકે થઈ હતી. આરોપીઓનો એક સાથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

આપણ વાંચો: રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો

પોલીસ ફરિયાદ અનુસાર બદલાપુરમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ફરિયાદીની ઓળખ ચારમાંથી બે આરોપી સાથે થઈ હતી. વિદેશમાંથી આયાત કરાયેલું શુદ્ધ સોનું સસ્તી કિંમતે વેચવામાં આવતું હોવાનું આરોપીએ ફરિયાદીને કહ્યું હતું. ફરિયાદીએ બે લાખ રૂપિયામાં સોનું ખરીદવાની તૈયારી દાખવી હતી.

આરોપીએ 27 મેની સાંજે ફરિયાદીને સાંતાક્રુઝ પૂર્વમાં કલિના ખાતેના સીએસટી રોડ પર કારના શો-રૂમ નજીક બોલાવ્યો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લઈને ઑફિસમાંથી સોનું અપાવવાની ખાતરી આરોપીએ આપી હતી.

ફરિયાદી આરોપીની ઑફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે એક કાર તેમની નજીક આવી હતી. પોલીસની રેઇડ હોવાનું કહીને આરોપીને તેના સાથી કારમાં લઈ ગયા હતા.

આપણ વાંચો: સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ: જુનાગઢમાં સસ્પેન્ડેડ કર્મીએ 10 બેરોજગારોને છેતર્યા, ₹3.17 લાખ પડાવ્યા

ફરિયાદીને સોનું ન મળ્યું અને રોકડ પણ ગઈ એટલે પોતે છેતરાયો હોવાનું લાગ્યું હતું. આ પ્રકરણે ફરિયાદને આધારે બીકેસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ફરી આ જ રીતે બીજા વેપારીને છેતરી નાણાં પડાવવા આવવાના હોવાની માહિતી મળી હતી. આરોપીને પકડવા પોલીસે છટકું ગોઠવ્યું હતું. જોકે છટકાનો અણસાર આવતાં આરોપી કારમાં ફરાર થયા હતા. પોલીસે પણ આરોપીની કારનો પીછો કર્યો હતો.

કહેવાય છે કે ટ્રાફિકમાં આરોપીની કાર ફસાઈ ગઈ હતી. કાર રસ્તામાં જ છોડી ચારેય આરોપી અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. તેમ છતાં પોલીસે પીછો કરી ત્રણ જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત, મુંબઈ અને થાણેમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button