પવઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું અપહરણ કરી પાંચ કરોડની માગણી: ચાર પકડાયા
આરોપીઓએ સીએની કંપની મારફત સ્ટૉક માર્કેટમાં કરેલા આર્થિક રોકાણમાં નુકસાન જતાં અપહરણનું કાવતરું ઘડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કથિત અપહરણ કર્યા બાદ તેની પત્ની પાસે પાંચ કરોડ રૂપિયાની માગણી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ સીએની કંપની મારફત સ્ટૉક માર્કેટમાં મોટી સંખ્યામાં રોકાણ કર્યું હતું, જેમાં નુકસાન જતાં નાણાંની વસૂલાત માટે અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
પવઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અમોલ પરશુરામ મ્હાત્રે (41), નિરંજન ઈન્દ્રમોહન સિંહ (32), વિધિચંદ્ર ગયાપ્રસાદ યાદવ (31) અને મોહમ્મદ સુલેમાન ઉર્ફે સલમાન મોહમ્મદ મોનીબ શેખ (20) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર, મોબાઈલ ફોન અને સીએનાં બે લૅપટોપ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
પોલીસ ફરિયાદ અનુસાર પવઈના લેક હોમ્સ કોમ્પ્લેક્સ ખાતે રહેતો ભૂષણ અરોરા 17 જાન્યુઆરીની સવારે ઑફિસે જવા નીકળ્યા પછી ઘરે પાછો ફર્યો નહોતો. બીજી દિવેસ પણ ભૂષણની કોઈ ભાળ ન મળતાં પત્નીએ પવઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મિસિંગની ફરિયાદ નોંધી અરોરાની શોધ હાથ ધરી હતી.
દરમિયાન અરોરાની પત્નીને ફોન કરી આરોપીએ પાંચ કરોડ રૂપિયાની માગણી કરી હતી. બે-ત્રણ કલાક પછી આરોપીએ ફરી અરોરાના મોબાઈલ ફોન પરથી તેની પત્નીને ફોન કરી રૂપિયા તૈયાર છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી. પાંચ કરોડની માગણીની માહિતી મળતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
કેસની તપાસ માટે ઝોન-10 હેઠળનાં પોલીસ સ્ટેશનોમાંથી ચુનંદા અધિકારીઓની 12 ટીમ બનાવવામાં આવી હતી. ફોન લૉકેશનને આધારે પોલીસે પનવેલ, નવી મુંબઈ, માથેરાન પરિસરમાં તપાસ કરી હતી. દરમિયાન નવી મુંબઈના કામોઠે બ્રિજ નજીક પોલીસે આરોપીઓની કારને આંતરી હતી. કારમાંથી બે આરોપીને તાબામાં લઈ અરોરાને છોડાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ પછી પોલીસે તેમના બે સાથીની પણ ધરપકડ કરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અરોરાની કંપની મારફત આરોપીઓએ સ્ટૉક માર્કેટમાં રોકાણ કર્યું હતું. અરોરાની કંપની મારફત તેમનાં સગાંસંબંધી, મિત્રો તેમ જ થાણે, નવી મુંબઈ અને પુણેના અનેક રોકાણકારોએ રોકાણ કર્યું હતું. જોકે શૅરબજારમાં નુકસાન જવાને કારણે અરોરા તેમનાં નાણાં પાછાં ચૂકવી શક્યો નહોતો. રૂપિયા વસૂલવા માટે અરોરાને ધમકી મળી રહી હતી. આરોપીઓએ રૂપિયા વસૂલવા માટે જ અપહરણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.