સુધરો નહીં તોઃ મુંબઈની લોકલ ટ્રેનમાં મોટરમેનની કેબિનમાં ઘૂસીને રીલ બનાવનારા ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સોશિયલ મીડિયાનો યુવાનોમાં વધતો ક્રેઝ યુવાનો જ નહીં, પરંતુ પ્રશાસનની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ કેસ મુંબઈ રેલવેમાં બની રહ્યા છે. રેલવે સ્ટેશન હોય કે લોકલ યા લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેન જ કેમ ના હોય. તાજેતરમાં મુંબઈની લોકલ ટ્રેનમાં નહીં, પરંતુ મોટરમેનની કેબિનમાં બે યુવાનો ઘૂસીને રીલ બનાવીને ચર્ચામાં આવ્યા હતા. રેલવે પોલીસે ધરપકડ કર્યા પછી બંને સામે કાર્યવાહી કરી હતી.
મધ્ય રેલવેની મેઈન લાઈન (સીએસએમટીથી કલ્યાણ-કસારા લાઈન)માં આ બનાવ બન્યો હતો. કસારા સ્ટેશન પર લોકલ ટ્રેનની મોટરમેનની કેબિનમાં ઘૂસીને બે યુવકે રીલ બનાવી હતી. આ અંગે રેલવે પોલીસે કાર્યવાહી કરીને બંને યુવકની ધરપકડ કરી હતી.
આરોપીઓની ઓળખ નાશિકના રહેવાસી રાજા હિમંત યેરવાલ (20) અને રિતેશ હીરાલાલ જાધવ (18) તરીકે કરવામાં આવી છે. આ બનાવ તો પચીસમી જુલાઈના બન્યો હતો. કસારા રેલવે સ્ટેશનના ચાર નંબરના પ્લેટફોર્મ પર સબર્બનની લોકલ ટ્રેનની મોટરમેનની કેબિનમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ કેબિનમાં ઘૂસીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….
આ અંગે આરપીએફની ટીમની સાયબર સેલ સાથે મળીને બંનેને પકડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનએ લોકલ ટ્રેનની મોટરમેનની કેબિનમાં ઘૂસીને રીલ બનાવવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરીને રેલવે એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. રેલવે સ્ટેશનના પરિસરમાં રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડવાની સાથે સુરક્ષા અંગે ચેડાં કરનારા લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
આ અગાઉ ઉત્તર રેલવેમાંથી ગુલઝાર શેખ નામના શખસની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એ યુવકે રેલવેના ટ્રેક સાથે છેડછાડ કરવામાં આવી હતી. રેલવેના કાયદાના ઉલ્લંઘન બદલ શેખની સામે કાર્યવાહી કરી હતી. રેલવેએ તમામ નાગરિકો અને પ્રવાસીઓને ખાસ કરીને રેલવે સ્ટેશનના પરિસરમાં કોઈ સંદીગ્ધ કામગીરી કરતા કોઈ જણાય તો રેલવેની હેલ્પલાઈન 139 અથવા 9004410735 પર કોલ કરીને માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.