લાંચના કેસમાં આરોપી વનઅધિકારીના ઘરમાંથી 1.32 કરોડની રોકડ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈના માંડવી વનવિભાગના અધિકારી સંદીપ ચૌરે વિરુદ્ધ 20 લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર ગુનો નોંધાયા બાદ તેના મીરા રોડ સ્થિત ઘરમાંથી 1.32 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વસઈ ગામમાં રહેતા ફરિયાદીની સાત ગુંઠા જમીન વનવિભાગના ક્ષેત્રમાં આવતી હતી. 2007માં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા ફરિયાદીની જમીન તાબામાં લઈ તેને સીલ કરવામાં આવી હતી.
આ જમીન પર ફરી તાબો મેળવી પોતાની તરફેણમાં અહેવાલ રજૂ કરવા માટે ફરિયાદી આરોપી વનઅધિકારી સંદીપ ચૌરે (38)ને મળ્યો હતો. અહેવાલ ફરિયાદીની તરફેણમાં તૈયાર કરવા માટેના જરૂરી દસ્તાવેજી મદદ માટે ચૌરેએ 20 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આપણ વાંચો: ACB Trap: વઢવાણમાંથી એન્જિનિયર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયાં
ફરિયાદીને લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી નવેમ્બર, 2024માં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના પાલઘર યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. ચૌરે વતી ચંદ્રકાંત પાટીલ સોમવારે 10 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારવા કારમાં વસઈના એવરશાઈન સિટી ખાતે આવ્યો ત્યારે એસીબીએ તેને પકડી પાડ્યો હતો.
આ કેસમાં એસીબીએ ચૌરે વિરુદ્ધ ફરિયાદ કરતાં માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ચૌરે મીરા રોડમાં પૂનમ ગાર્ડન ખાતેની આસોપાલવ સોસાયટીમાં પત્ની અને બે સંતાન સાથે ભાડેના ફ્લૅટમાં રહેતો હતો. એસીબીની ટીમે મંગળવારે આ ફ્લૅટમાં સર્ચ હાથ ધરી 1.32 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ચૌરે પરિવાર પાસે 57 તોલા સોનાના દાગીના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.