નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો
થાણે: મુંબઈ પોલીસ દળમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે કથિત બળાત્કાર ગુજારી ત્રાસ આપવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે સબ-ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોેલીસ ફરિયાદ અનુસાર સાનપાડા પરિસરમાં 2020થી જુલાઈ, 2022 દરમિયાન પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે આ કૃત્ય કર્યું હતું.
મુંબઈ પોલીસ દળમાં જ કાર્યરત 32 વર્ષના સબ-ઈન્સ્પેક્ટરની મિત્રતા 26 વર્ષની પીડિતા સાથે થઈ હતી. લગ્નની ખાતરી આપી આરોપીએ મહિલા કોન્સ્ટેબલ પર સાનપાડા સ્થિત ફ્લૅટમાં વારંવાર દુષ્કર્મ કર્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પણ વાંચો: દુષ્કર્મ બાદ બાળકીની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો: 14 પોલીસ જખમી
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે દરમિયાન વિવિધ કારણો રજૂ કરી આરોપીએ સમયાંતરે ફરિયાદી પાસેથી 19 લાખ રૂપિયા લીધા હતા, જેમાંથી માત્ર 14.61 લાખ રૂપિયા તેણે પાછા ચૂકવ્યા હતા. આરોપી મહિલાનો પીછો પણ કરતો હતો અને પતિને છોડી દેવાનું વારંવાર કહેતો હતો. મહિલા પતિથી અલગ ન થતાં આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી, એમ સાનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે મહિલાએ ઘાટકોપરના પંત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376(2)(એન), 354(એ), 354(ડી), 506(2) અને 420 હેઠળ ઝીરો એફઆઈઆર નોંધ્યો હતો. બાદમાં કેસ સાનપાડા પોલીસમાં ટ્રાન્સફર કરાયો હતો. સાનપાડા પોલીસે શનિવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)